ભારતનો ટેક્સ સંગ્રહ 8 ટકા વધ્યો: રૂ. 17.04 લાખ કરોડની જંગી આવક
નવી દિલ્હીઃ ભારત સરકારની તિજોરીમાં ટેક્સની આવકનો પ્રવાહ સતત વધી રહ્યો છે. શુક્રવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં 17 ડિસેમ્બર સુધીમાં ભારતનો નેટ ડાયરેક્ટ ટેક્સ (શુદ્ધ પ્રત્યક્ષ કર) સંગ્રહ વાર્ષિક ધોરણે 8 ટકા વધીને રૂ. 17.04 લાખ કરોડ પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે બજેટમાં નવી કર પ્રણાલી હેઠળ રૂ. 12 લાખ સુધીની કરમુક્તિ આપવા છતાં સંગ્રહમાં આ તેજી જોવા મળી છે.
આયકર વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 1 એપ્રિલથી 17 ડિસેમ્બર સુધીમાં સરકારનું કુલ ગ્રોસ ટેક્સ કલેક્શન રૂ. 20.01 લાખ કરોડ રહ્યું છે, જે ગત વર્ષની સરખામણીએ 4 ટકાનો વધારો દર્શાવે છે. નેટ ડાયરેક્ટ ટેક્સમાં કોર્પોરેટ ટેક્સનો હિસ્સો રૂ. 8.17 લાખ કરોડ રહ્યો છે, જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ. 7.39 લાખ કરોડ હતો. વ્યક્તિગત આવકવેરો અને એચયુએફ (HUF) ટેક્સ સહિત નોન-કોર્પોરેટ ટેક્સ રૂ. 8.46 લાખ કરોડ નોંધાયો છે, જે અગાઉ રૂ. 7.96 લાખ કરોડ હતો. સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) વધીને રૂ. 40,194.77 કરોડ થયો છે.
સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં રૂ. 2.97 લાખ કરોડનું રિફંડ જારી કર્યું છે. રસપ્રદ વાત એ છે કે, રિફંડ જારી કરવામાં વાર્ષિક ધોરણે 13.52 ટકાનો ઘટાડો નોંધાયો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025માં નવી કર પ્રણાલી હેઠળ મર્યાદા વધારીને રૂ. 12 લાખ કરી હોવા છતાં ટેક્સ કલેક્શનમાં વધારો થવો તે અર્થતંત્ર માટે સકારાત્મક સંકેત છે. આ ફેરફારથી મધ્યમ વર્ગના કરદાતાઓને મોટી રાહત મળી છે, છતાં વધુ લોકો ટેક્સ નેટમાં આવતા અને આર્થિક ગતિવિધિઓ વધતા સરકારની આવક વધી છે.


