ફ્લાઇટ કેન્સલ થતા મુશ્કેલીમાં મુકાયેલા મુસાફરો માટે ઇન્ડિગો આપશે રૂ. 10000નું ટ્રાવેલ વાઉચર્સ
નવી દિલ્હી: તાજેતરમાં ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ્સમાં વ્યાપક ઓપરેશનલ અવરોધોને કારણે મુશ્કેલીમાં મુકાયેલા મુસાફરો માટે એરલાઇન્સે રૂ. 10 હજાર સુધીના ટ્રાવેલ વાઉચર આપવાની જાહેરાત કરી છે. ઇન્ડિગોએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા તેમના ગ્રાહકોની સંભાળ લેવાની છે.
ઇન્ડિગોએ જણાવ્યું કે, ઓપરેશનમાં વિક્ષેપ બાદ રદ કરાયેલી ફ્લાઇટ્સ માટે તમામ જરૂરી રિફંડ શરૂ કરી દેવાયા છે. મોટાભાગના ગ્રાહકોના એકાઉન્ટમાં રિફંડ જમા થઈ ગયું છે અને બાકીના મુસાફરોને પણ ટૂંક સમયમાં રિફંડ મળી જશે. આ ઉપરાંત, અસરગ્રસ્તોને વાઉચર સાથે રૂ. પાંચ હજારથી લઈને રૂ. દસ હજાર સુધીનું વળતર પણ આપવામાં આવશે.
ઇન્ડિગોએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “અમે દુઃખ સાથે સ્વીકારીએ છીએ કે 3,4 અને 5 ડિસેમ્બરના રોજ મુસાફરી કરનારા અમારા કેટલાક ગ્રાહકો અમુક એરપોર્ટ્સ પર કલાકો સુધી ફસાયેલા રહ્યા હતા અને ભીડને કારણે તેમને ઘણો ખરાબ અનુભવ થયો હતો. આવા ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયેલા ગ્રાહકોને અમે રૂ. દસ હજારના ટ્રાવેલ વાઉચર આપીશું.” આ ટ્રાવેલ વાઉચરનો ઉપયોગ આગામી 12 મહિના સુધી ઇન્ડિગોની કોઈપણ મુસાફરી માટે કરી શકાશે.
એરલાઇને સ્પષ્ટતા કરી કે આ વળતર વર્તમાન સરકારી માર્ગદર્શિકા હેઠળની પ્રતિબદ્ધતા ઉપરાંતનું છે. સરકારી ગાઇડલાઇન મુજબ, જે ગ્રાહકોની ફ્લાઇટ પ્રસ્થાનના 24 કલાકની અંદર રદ થઈ હોય, તેમને ફ્લાઇટના બ્લોક ટાઇમના આધારે ઇન્ડિગો રૂ. પાંચથી દસ હજાર સુધીનું વળતર આપશે. નિષ્ણાતોના મતે, આ સંકટને કારણે એરલાઇનની પ્રતિષ્ઠાને મોટું નુકસાન થયું છે અને તે પ્રતિષ્ઠા સુધારવા માટે ઇન્ડિગોએ આ વાઉચરની જાહેરાત કરી છે, જેથી મુસાફરો ફરીથી તેના પર વિશ્વાસ કરીને મુસાફરી કરે.


