
ચૂંટણીમાં બુથ લેવલની જવાબદારી સંભાળનારા શિક્ષકો વેકેશન દરમિયાન હેડ ક્વાટર્સ નહીં છોડી શકે
ગાંધીનગરઃ રાજ્યની સ્કૂલ અને કોલેજોમાં ગુરૂવારથી દિવાળી વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે. ઘણા શિક્ષકો પણ પોતાના પરિવાર સાથે બહારગામ ફરવા માટે જવાની તૈયારીઓ કરવા લાગ્યા છે. 9મી નવેમ્બર સુધી વેકેશન હોવાથી વિદ્યાર્થીઓની જેમ શિક્ષકો પણ વેકેશનની રજાનો ઉપયોગ કરશે. ત્યારે જે શિક્ષકોને ચૂંટણીમાં બૂથ લેવલ ઓફીસરની જવાબદારી સોંપવામાં આવી છે તેઓને દિવાળી વેકેશન દરમિયાન હેડકવાર્ટર નહીં છોડવા, લાંબો પ્રવાસ ન કરવા ચૂંટણી અધિકારીઓએ આદેશ કરતાં આ શિક્ષકો દિવાળી દરમિયાન દૂરની મુસાફરી ન કરી શકે તેવી સ્થિતિ ઉભી થઇ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. અને કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા ગમેત્યારે ચૂંટણીની જાહેર થાય તેમ છે. આ સ્થિતિ વચ્ચે તા.20મીને ગુરૂવારથી 21 દિવસના સ્કૂલ અને કોલેજોમાં દિવાળીના વેકેશનનો પ્રારંભ શરૂ થઇ ગયો છે. વેકેશનની સાથે જ કેટલાક શિક્ષકો અને અધ્યાપકોએ બહારગામ ફરવા જવાનો પ્લાન ઘડી કાઢ્યો છે. કેટલાક શિક્ષકો પોતાન વતન પરત જતાં હોય છે. મોટાભાગના અધ્યાપકો આ વેકેશનમાં વિદેશ ફરવા જવાનું આયોજન પણ કરતાં હોય છે. રાજ્યમાં ચૂંટણી જાહેર થતાંની સાથે જે મતદારો ગેરહાજર હોય તેમનો સંપર્ક કરીને ટપાલથી મતદાન કરવા સહિતની કાર્યવાહી માટેની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે. વેકશન શરૂ થતાં જ અમદાવાદ અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ મ્યુનિ.કમિશનર, જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ શહેર-ગ્રામ્ય અને પ્રાથમિક શિક્ષણાધિકારીને એવી સૂચના આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં ગમે ત્યારે ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાને પગલ જે કર્મચારી-શિક્ષકોને બૂથ લેવલ ઓફિસર(BLO)ની કામગીરી સોંપાઈ છે તેઓ આ દિવસો દરમિયાન મુખ્ય હેડકવાર્ટસ ન છોડે.તેમજ લાંબો પ્રવાસ ન કરે. આવી સુચનાને લીધે જે શિક્ષકોને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી છે, તેવા શિક્ષકો હવે દિવાળીના વેકેશનમાં બહારગામનો પ્રવાસ નહીં કરી શકે, (FILE PHOTO)