
- પીએમ મોદીના અમેરિકી પ્રવાસ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિનું મહત્વનું નિવેદન
- આગામી વર્ષ સુધીમાં ભારતમાં કોવિડ વેક્સિનના ઓછામાં ઓછા એક અબજ ડોઝનું ઉત્પાદન કરાશે
- તેનાથી વેક્સિનેશનને પણ ગતિ મળશે
નવી દિલ્હી: પીએમ મોદીના અમેરિકી પ્રવાસ વચ્ચે હવે યુએસના રાષ્ટ્રપતિએ કોવિડ વેક્સિન પર મોટું નિવેદન આપ્યું છે. જો બાઇડને કહ્યું કે, વર્ષ 2022 એટલે કે આગામી વર્ષ સુધીમાં ભારતમાં કોવિડ વેક્સિનના ઓછામાં ઓછા એક અબજ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે. વેક્સિનની અછતને લઇને અનેકવાર ફરિયાદો મળી ચૂકી છે. આવામા અમેરિકાથી આવેલા આ સમાચાર ચોક્કસપણે રાહત આપશે. જો વેક્સિન ઉત્પાદન વધશે તો વેક્સિનેશનની ગતિ પણ વધશે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ભારત, જાપાનની ક્વાડ પાર્ટનરશિપ 2022 સુધી ભારતમાં કોવિડ-19 વેક્સિનના ઓછામાં ઓછા 1 અબજ ડોઝના ઉત્પાદનના રસ્તે છે. કોરોના મહામારીને મ્હાત આપવા માટે સંયુક્તપણે કામ કરવાથી વિશેષ કશુ નથી. અમે ક્વાડ પાર્ટનરશીપ હેઠળ વેક્સિનના વધુમાં વધુમાં ઉત્પાદન પર ભાર મૂકી રહ્યા છે.
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે અમે ભાગીદાર દેશો, દવા કંપનીઓ અને અન્ય નિર્માતાઓ સાથે કામ કરી રહ્યા છીએ જેથી કરીને તેઓ પોતાના દેશોમાં સુરક્ષિત અને અત્યાધિક પ્રભાવી રસીનું ઉત્પાદન અને નિર્માણ કરવાની પોતાની ક્ષમતા વધારી શકે. તેમણે વધુમાં કહ્યું કે ‘ઉદાહરણ તરીકે, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાની સાથે અમારી ક્વાડ ભાગીદારી 2022ના અંત સુધીમાં વૈશ્વિક આપૂર્તિને વધારવા માટે ભારતમાં રસીના ઓછામાં ઓછા એક અબજ ડોઝનું ઉત્પાદન કરવાના પથ પર છે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમેરિકા, દક્ષિણ આફ્રિકામાં મેન્યુફેક્ચરિંગને મજબૂત કરવા માટે આર્થિક સહાયતા પ્રદાન કરે છે અને આગામી વર્ષે આફ્રિકા માટે આફ્રિકામાં જેએન્ડેજેની 50 કરોડથી વધુ ડોઝનું ઉત્પાદન કરવામાં મદદ કરવામાં આવશે.