
- તાલિબાનના પ્રમુખ નેતાનું ભારત કનેક્શન સામે આવ્યું
- શેર મહોમ્મદ અબ્બાસ દહેરાદૂનની ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં હતો
- અહીંયાથી તેણે તાલીમ લીધી હતી
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં બંદૂકના દમ પર કબજો જમાવનાર તાલિબાનના સૌથી શક્તિશાળી 7 નેતાઓ પૈકી એકનું ભારત કનેક્શન ખુલ્યું છે.
તાલિબાનના શક્તિશાળી 7 નેતાઓ પૈકી એક શેર મહોમ્મદ અબ્બાસ સ્ટાનિકજાઇ એક સમયે દહેરાદૂનની ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં કેડેટ હતો અને અહીંયાથી તેણે તાલિમ લીધી હતી. વર્ષ 1982ની કેડેટ્સે તેનું નામ શેરૂ રાખ્યું હતું.
તેની સાથે અહીંયા તાલિમ લેનારા કેટેડ્ટસનુ કહેવુ છે કે, તે મજબૂત બાંધાનો હતો.તેની લંબાઈ બહુ નહોતી અને તે કટ્ટર વિચારધારા પણ નહોતો ધરાવતો. તે સમયે તેની વય 20 વર્ષની હતી.
રિટાયર્ડ મેજર જનરલ ડી એ ચતુર્વેદી તેના બેચમેટ હતા.તેમણે એક અંગ્રેજી અખબારને જાણકારી આપતા કહ્યુ હતુ કે, બીજા કેડેટ્સ તેને પસંદ કરતા હતા. જોકે તે 20 વર્ષ કરતા વધારે વયનો લાગતો હતો. તે અહીંયા આવીને ખુશ હોય તેમ લાગતુ હતુ.
ઉલ્લેખનીય છે કે, અફઘાન યુવાનોને ભારત 1971થી પોતાની લશ્કરી સંસ્થાઓમાં તાલિમ આપતા આવ્યુ છે. શેર મહોમ્મદ અબ્બાસના અન્ય એક બેચમેટ રિટાયર્ડ કર્નલ કેસર સિંહ શેખાવતે કહ્યુ હતુ કે, એક આમ યુવા જેવો હતો. મિલનસાર સ્વભાવ હતો અને વીકએન્ડમાં તે અમારી સાથે પહાડો અને જંગલોમાં પણ ફરવા માટે આવતો હતો.
દોઢ વર્ષની તાલિમ પુરી કર્યા બાદ શેર મહોમ્મદ અબ્બાસની અફઘાન નેશનલ આર્મીમાં લેફન્ટન્ટ તરીકે નિમણૂંક થઈ હતી. 1996 બાદ સેના છોડીને તે તાલિબાનમાં સામેલ થઈ ગયો હતો. 1997માં તેને તાલિબાન સરકારનો કાર્યકારી વિદેશ મંત્રી બનાવાયો હોવાનો દાવો થયો હતો. ભારતમાં તાલિમ દરમિયાન તે અંગ્રેજી બોલતા શીખી ગયો હતો અને તેના કારણે તાલિબાન વતી વાટાઘાટો કરનાર પ્રમુખ નેતા બન્યો હતો.