ઇસ્લામી કટ્ટરપંથનો મુખ્ય ઉદ્દેશ્ય વધુ ક્ષેત્ર અને લોકો પર નિયંત્રણ મેળવવાનો: US વિદેશમંત્રી રૂબિયો
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ચેતવણી આપી હતી કે ઇસ્લામી કટ્ટરપંથનો મુખ્ય ઉદ્દેશ્ય ‘વધુ ક્ષેત્ર અને લોકો પર નિયંત્રણ મેળવવાનો’ છે. તેમણે કહ્યું કે આ દુનિયા માટે ‘એક સ્પષ્ટ અને તત્કાળ જોખમ’ છે. રુબિયોએ ફોક્સ ન્યૂઝ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે અમેરિકા માટે સૌથી મોટો ખતરો ઇસ્લામી કટ્ટરપંથથી છે. તેમના મતે, આ લોકો અમેરિકાને ધરતી પરની ‘બુરાઈનું સૌથી મોટું સ્ત્રોત’ માને છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઈસ્લમી કટ્ટરપંથીઓની ઇચ્છા ફક્ત દુનિયાના એક ભાગ પર કબજો કરીને તેમની નાની ખિલાફતથી ખુશ રહેવાની નથી, તે વિસ્તરણ કરવા માંગે છે. તે તેમની પ્રકૃતિમાં ક્રાંતિકારી પગલું છે. તે વધુ ક્ષેત્રો અને લોકો પર નિયંત્રણ મેળવવા માંગે છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આ કટ્ટરવાદનો લક્ષ્યાંક પશ્ચિમ, ખાસ કરીને અમેરિકા અને યુરોપ છે. કટ્ટરપંથીઓ આતંકવાદ, હત્યા અને જીવલેણ હુમલાઓ દ્વારા વિવિધ સંસ્કૃતિઓ અને સમાજો પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે તૈયાર છે. તેમણે ઈરાન જેવા દેશોની રાજ્ય-આધારિત કાર્યવાહીઓ તરફ પણ ધ્યાન દોર્યું હતું.
વિદેશ મંત્રી રુબિયોએ આ સાથે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત પણ કરી હતી. તેમણે કહ્યું કે અમેરિકા તે લોકો માટે વીઝા પર પ્રતિબંધ લગાવશે, જેઓ જાણી જોઈને ઇસાઇઓ વિરુદ્ધ હિંસા અને અત્યાચારને સમર્થન અથવા નાણાકીય મદદ આપે છે.


