1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સ્વનું ભલું નહિ, પણ સૃષ્ટિની ભલાઈ માટે વિચારવું એ ભારતનો સ્વભાવઃ રાજ્યપાલ
સ્વનું ભલું નહિ, પણ સૃષ્ટિની ભલાઈ માટે વિચારવું એ ભારતનો સ્વભાવઃ રાજ્યપાલ

સ્વનું ભલું નહિ, પણ સૃષ્ટિની ભલાઈ માટે વિચારવું એ ભારતનો સ્વભાવઃ રાજ્યપાલ

0
Social Share

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 54મા પદવીદાન સમારોહના દિક્ષાંત પ્રવચનમાં ભારતના નવયુવાનોને અમૃત્તપુત્રો ગણાવ્યા હતા. તેમણે દેશની યુવાપેઢીનો ડંકો વિશ્વભરમાં વાગે છે એમ જણાવી યુવા છાત્રોને આજીવન વિદ્યાર્થી બની કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં, પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરવા આહ્વાન કર્યું હતું.

યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે 11 વિદ્યાશાખાઓના 88 અભ્યાસક્રમોના 28949 યુવા છાત્ર-છાત્રાઓને મેડલ્સ તથા પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત 63 પી.એચ.ડી. તથા 6 એમ.ફિલ ધારકોને પદવીઓ એનાયત થઈ હતી. સમારોહની વિશેષતા એ રહી કે સુરતની સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળાના 11 ભૂદેવોએ શંખનાદ અને 10 ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર અને ઐતરિય ઉપનિષદના શ્લોકગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી હતી.

રાજ્યપાલએ પ્રાચીન ગુરૂકુલ શિક્ષા પદ્ધતિમાં  દીક્ષાંત સમયે ગુરૂજનો દ્વારા આપવામાં આવતા ઉપદેશનો ઉલ્લેખ કરી વધુમાં જણાવ્યું કે, પ્રાચીનકાળમાં ઋષિમુનિઓ પ્રકૃતિની ગોદમાં શિષ્યોને શિક્ષણ આપી જીવનના પડકારોનો સામનો કરવા સક્ષમ બનાવી તેમના સર્વાંગી વિકાસ માટે સતત ચિંતન કરતા અને શિષ્યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી અંતમાં ‘સત્યંવદ, ધર્મં ચર અને સ્વાધ્યાયાન્મા પ્રમદ:’- સત્ય બોલવા, ધર્મનું આચરણ અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતાં હતા. પદવીપ્રાપ્તિ કરનારા વિદ્યાર્થીઓ સત્યના માર્ગ પર પોતાના કર્તવ્યધર્મનું પાલન કરે. સતત અભ્યાસરત રહે, એટલું જ નહી પોતાની જ્ઞાનસંપદાથી અન્યને પણ સમુદ્ધ કરે એમ જણાવી તેમણે યુવાનોને માતા પિતા અને ગુરૂજનોને દેવતુલ્ય ગણી તેમનો આદર કરવાની શીખ પણ આપી હતી.

રાજ્યપાલે વિદ્યાર્થીઓને મહામૂલી શીખ આપતાં જણાવ્યું હતું કે, જીવનના અમૂલ્ય વર્ષો વિદ્યાભ્યાસ કર્યા બાદ તમારે કારકિર્દી નિર્માણ માટે વિશાળ અને સ્વતંત્ર ફલકમાં કઠોર પરિશ્રમ-કુશળતા અને સામર્થ્યથી ઉજ્જવળ ભવિષ્ય કંડારવાનું છે. ગુજરાતની ભૂમિ બહુરત્ના છે એમ જણાવતાં તેમણે ઉમેર્યું કે, ગુજરાતની ધરતી સત્ય અને અહિંસાના પુજારી મહાત્મા ગાંધી, અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ, સમાજ સુધારક સ્વામી દયાનંદ સરસ્વતી જેવા મહાન પુરૂષોની ભૂમિ છે. દેશને આત્મનિર્ભર બનાવવા માટે કાર્યરત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ધરતીના સંતાન છે. તેમણે વિદ્યાર્થીઓને એમ પણ કહ્યું કે, જ્ઞાન મેળવ્યા બાદ હવે એવું જીવન ઘડતર કરો, જેથી આવનારી પેઢી તમારામાંથી પ્રેરણા લે. રાજયપાલશ્રીએ પદવી ધારણ કરનારા સૌ વિદ્યાર્થીઓ અને ખાસ કરીને સુવર્ણપદક મેળવનારા વિદ્યાર્થીઓની ભાવિ ઉજજવળ કારકિર્દી માટે શુભકામનાઓ પણ પાઠવી હતી.

પરાપૂર્વથી ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવના ભારત સાથે વણાયેલી છે. એટલે જ કોરોનાકાળનો મક્કમપણે મુકાબલો કરી ભારતે વેક્સિનને જરૂર ધરાવતા દેશો સુધી પહોંચાડી છે. સ્વનું ભલું નહિ, પણ સૃષ્ટિની ભલાઈ માટે વિચારવું એ ભારતનો સ્વભાવ છે. અધિકારો માટે સૌ લડે છે, પરંતુ કર્તવ્યપાલનથી સૌ દૂર ભાગે છે. કર્તવ્યથી દૂર ભાગતા લોકોની માનસિકતા બદલવાની આવશ્યકતા છે એવો મત રાજ્યપાલશ્રીએ વ્યક્ત કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code