
જમ્મુ-કાશ્મીરઃ સીમાંકન પંચની વિધાનસભાની 7 બેઠકો વધારવાની ભલામણ, પંડિતો માટે 2 બેઠકો નોમિનેટ કરાશે
નવી દિલ્હીઃ આર્ટીકલ 370 દૂર થયા બાદ કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની જાહેરાત કરવામાં આવી હતી. સીમાંકન પંચે જમ્મુ-કાશ્મીર માટે પોતાનો અંતિમ અહેવાલ રજૂ કર્યો છે. જેથી હવે આગામી દિવસોમાં કેન્દ્રશાસિત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાશે અને જમ્મુ-કાશ્મીરની પ્રજાને નવી સરકાર મળશે. આ અહેવાલ અનુસાર વિધાનસભાની 7 બેઠકો વધશે અને પ્રથમ વખત વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે પણ બે બેઠકો નોમિનેટ કરવામાં આવશે. પ્રથમ વખત 9 બેઠકો અનુસૂચિત જનજાતિ એટલે કે ST માટે અનામત રાખવામાં આવશે. તેમજ કેટલીક વિધાનસભા બેઠકોના નામ પણ બદલાશે. આ ઉપરાંત પહેલા વિધાનસભાનો કાર્યકાળ છ વર્ષનો હતો પરંતુ હવે આ કાર્યકાળ પાંચ વર્ષનો થશે.
સુત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ અને કાશ્મીરને છેલ્લે 1995માં સીમાંકન કરવામાં આવ્યું હતું. ત્યારે રાજ્યમાં કુલ 12 જિલ્લા અને 58 તાલુકા હતા જ્યારે આજે જિલ્લાઓની સંખ્યા વધીને 20 અને તાલુકાઓની સંખ્યા વધીને 270 થઈ ગઈ છે. પહેલા વિધાનસભાની 83 બેઠકો હતી જે વધીને હવે 90 થશે. જમ્મુમાં 6 અને કાશ્મીરમાં એક બેઠક વધશે. આમ હવે જમ્મુમાં 37 થી વધીને 43 બેઠકો થશે અને કાશ્મીરમાં સીટો 46 થી વધીને 47 થશે, સ્થાનિક પ્રતિનિધિઓની માંગણી મુજબ 13 વિધાનસભા બેઠકોના નામ બદલવામાં આવશે. શ્રીનગર જિલ્લાની સોનવર વિધાનસભા સીટ હવે લાલ ચોક સીટ તરીકે ઓળખાશે, જુનીમાર સીટ જડીબલ તરીકે ઓળખાશે, તંગમર્ગ હવે ગુલમર્ગ વિધાનસભા સીટ તરીકે ઓળખાશે. કમિશન અનુસાર, જમ્મુ અને કાશ્મીરમાં 5 લોકસભા સીટો હશે. જેમાં બારામુલ્લા, શ્રીનગર, અનંતનાગ-રાજૌરી, ઉધમપુર અને જમ્મુનો સમાવેશ થાય છે.
અગાઉ પણ લોકસભાની 5 બેઠકો હતી જેમાં 3 કાશ્મીર ક્ષેત્રમાં અને 2 જમ્મુ ક્ષેત્રમાં હતી, હવે અઢી બેઠકો એક રીતે બંને વિસ્તારોમાં વહેંચવામાં આવશે. આ માટે અનંતનાગ-રાજૌરી લોકસભા સીટમાં પ્રથમ વખત જમ્મુ વિભાગમાંથી 7 વિધાનસભા બેઠકો રાખવામાં આવી છે, જે રાજૌરી અને પૂંચ જિલ્લાની છે. અનંતનાગ-રાજૌરી લોકસભા મતવિસ્તારની 11 વિધાનસભા બેઠકો કાશ્મીર વિભાગની હશે, જે અનંતનાગ, કુલગામ અને શોપિયાં જિલ્લામાં સ્થિત હશે. વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે ઓછામાં ઓછી 2 બેઠકો નામાંકિત કરવાની ભલામણ કરાઈ છે, જેમાંથી એક મહિલા હશે, તેમને પણ પુડુચેરી વિધાનસભાના નામાંકિત સભ્યોની જેમ મતદાન કરવાનો અધિકાર હશે.
સીમાંકન પંચે પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર એટલે કે POJKમાંથી વિસ્થાપિત થયેલા લોકોને પ્રતિનિધિત્વ આપવાની પણ ભલામણ કરી છે. પંચે કહ્યું છે કે કેન્દ્ર POJKમાંથી વિસ્થાપિત લોકો માટે નામાંકિત સીટ પર વિચાર કરી શકે છે. 7 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવશે. પ્રથમ વખત રાજ્યમાં ST માટે 9, જમ્મુ ક્ષેત્રમાં 6 અને કાશ્મીર પ્રદેશમાં 3 બેઠકો અનામત રાખવામાં આવશે. પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર (POJK) માટે આરક્ષિત 24 બેઠકો પહેલાની જેમ ખાલી રહેશે, એટલે કે ટેકનીકલી રીતે કુલ વિધાનસભા બેઠકો 90 નહીં પરંતુ 114 હશે.
કલમ 370 દૂર કરવામાં આવતા જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત થઈ ગયો હતો. રાજ્યને 2 કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેંચવામાં આવ્યા હતા. પહેલા જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં કુલ 87 બેઠકો હતી. તેમાંથી 46 કાશ્મીર વિભાગમાં, 37 જમ્મુમાં અને 4 લદ્દાખ ક્ષેત્રમાં હતા. 24 બેઠકો POJK માટે હતી જે ખાલી રહેતી હતી. ટેકનિકલી તે સમયે 111 બેઠકો હતી જેમાંથી 87 પર ચૂંટણી યોજાઈ હતી. હવે 114 બેઠકો હશે જેમાંથી 90 બેઠકો પર ચૂંટણી થશે.
હવે આયોગનો રિપોર્ટ કેન્દ્ર સરકારને રજૂ કરવામાં આવશે. આમાં મતવિસ્તારની સંખ્યા અને તેમના કદની વિગતો શામેલ હશે. આ પછી, કેન્દ્ર સરકાર એક સૂચના જારી કરશે કે સીમાંકન આદેશ કઈ તારીખથી અમલમાં આવશે. સૂચિત થયા પછી, ચૂંટણી પંચ મતદાર યાદીમાં સુધારો કરશે અને સીમાંકિત વિધાનસભા મતવિસ્તારો અનુસાર મતદાન મથકો બનાવશે. આ સમગ્ર પ્રક્રિયામાં થોડા મહિનાઓ લાગી શકે છે. એવી ચર્ચા છે કે જમ્મુ-કાશ્મીર માટે આ શિયાળામાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. જો વધુ ઔપચારિકતામાં સમય લાગે તો રાજ્યની જનતાએ ચૂંટણી માટે આવતા વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે.