
જામનગર-અમદાવાદ વંદે ભારત ટ્રેન હવે સુરતના ઉધના સુધી દોડશે, રેલરાજ્યમંત્રીએ કરી જાહેરાત
રાજકોટઃ જામનગર-અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવતા પ્રવાસીઓ દ્વારા તેને સારોએવો રિસપોન્સ મળી રહ્યો છે. દરમિયાન વંદે ભારત ટ્રેનને સુરત સુધી લંબાવવા માટે અલગ-અલગ ઔદ્યોગિક સંગઠનો દ્વારા માગણી કરવામાં આવતા વેદં ભારત ટ્રેનને સુરતના ઉધના સુધી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ દ્વારા ટ્વીટ કરી જાહેરાત કરવામાં આવી હતી કે, જામનગર-અમદાવાદ વંદે ભારત ટ્રેન સુરત સુઘી લંબાવવામાં આવી છે.
રેલ રાજ્યમંત્રીએ કરેલા ટ્વિટમાં જણાવ્યું છે કે, મુસાફરોની સુવિધા માટે ટ્રેન નંબર 22925/26 અમદાવાદ-જામનગર વંદે ભારત એકસપ્રેસ સુરતના ઉધના રેલવે સ્ટેશન સુધી લંબાવવામાં આવશે. આ ઉપરાંત ટ્રેન નંબર 20661/62 બેંગલુરુ-ધરવાર ટ્રેન બેલગાવી સુઘી તો 22549/50 ગોરખપુર-લખનૌ ટ્રેન પ્રયાગરાજ સુધી લંબાવવામાં આવશે. જોકે, રાજકોટ રેલવે વિભાગ દ્વારા ટ્રેન લંબાવાયાનુ નવું ટાઇમ શેડ્યુલ હવે જાહેર કરાશે.
પશ્વિમ રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલાં જ યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 22925/22926 અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ગતિમાં વધારો કરવામાં આવ્યો હતો. જેથી હાલ ટ્રેન નંબર 22925 અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ દરરોજ અમદાવાદથી 18:10 કલાકે ઉપડીને 18:15 કલાકે સાબરમતી, 18:30 કલાકે સાણંદ, 18.58 કલાકે વિરમગામ, 19:43 કલાકે સુરેન્દ્રનગર, 20.31 કલાકે વાંકાનેર, 21.03 કલાકે રાજકોટ તથા 22.35 કલાકે જામનગર પહોંચી રહી છે. જ્યારે ટ્રેન નંબર 22926 જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ જામનગરથી વહેલી સવારે 05:45 કલાકે ઉપડીને 06:35 કલાકે રાજકોટ, 07:11 કલાકે વાંકાનેર, 08:06 કલાકે સુરેન્દ્રનગર, 08:48 કલાકે વિરમગામ, 09:16 કલાકે સાણંદ, 09:34 કલાકે સાબરમતી તથા 10:10 કલાકે અમદાવાદ પહોંચી રહી છે. હવે આ ટ્રેન સુરતના ઉધના સુધી દોડાવાશે, તેનું સમયપત્રક ટુક સમયમાં જાહેર કરવામાં આવશે.