
જુઈશ વિચારધારાના દુષણો સામે જીસસે અવાજ ઉઠાવી સમાજ સુધારણા માટે બીડુ ઝડપ્યુ
મિડલ ઇસ્ટમાંથી જુડાઈસ્ટ, ક્રિશ્ચનિટી અને ઇસ્લામ ત્રણ વિચારધારા આવી
જુડાઇઝમ, ક્રિશ્ચનિઝમ અને ઇસ્લામિક આ ત્રણ વિચારધારાઓ ઈબ્રાહીમિક વર્લ્ડમાં રહેલી છે. જ્યારે હિન્દુ, બુદ્ધિસ્ટ, જૈનીસ્ટ, સિખીઝમ વગેરે નોન ઈબ્રાહિમિક વર્લ્ડની વિચારધારાઓ છે. જોકે આ તમામ ધાર્મિક વિચારધારાઓ અંતે તો માનવજાતને ઉર્ધ્વગામી દિશામાં લઈ જવાના હેતુથી જ પાંગરેલી છે. આજે વાત કરવી છે ક્રિશ્ચિયનિટીની. એના ઉદભવ અને જબરજસ્ત વૈશ્વિક વિકાસની વાતનું મૂળ તત્વ જાણવા લાયક છે. ક્રિશ્ચનિઝમના પાયામાં સેવા અને કરુણા આ બે વિચારો મહત્વના છે. જ્ઞાન અને વિચારની દ્રષ્ટિએ પણ આ વિચારધારાનુ મહત્ત્વ છે. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાન મિત્રો પાસે પણ જગતના ઇતિહાસ સંદર્ભે સામાન્ય જ્ઞાનના વિભાગમાં પણ આ વિષયની જાણકારી અપેક્ષિત હોય છે.
આજે આ સંદર્ભમાં કેટલીક મહત્વપૂર્ણ વાત કરવાનો મુખ્ય આશય ક્રિશ્ચનિઝમ વિશેની જાણકારી ઉપરાંત જીવનના કેટલાક મહત્વપૂર્ણ સિદ્ધાંતોનો નિર્દેશ કરવાનો પણ છે. એક વાતનો ઉલ્લેખ જરૂરી છે કે, અહીં કોઈ ધાર્મિક વિચારના વિસ્તાર માટે કે પ્રચાર માટેનો આ પીસમાં કોઈ પ્રયાસ નથી. અહીં પ્રસ્તુત કરાયેલી વિગતો ઉપયોગી માહિતી બની શકે એ જ એનો મુખ્ય આશય છે. વિવિધ પુસ્તકો અને પ્રબુદ્ધો પાસેથી પ્રાપ્ત કરેલી વિગતો સરળ ભાષામાં મૂકીને વૈશ્વિક ફલક ઉપર મહત્તમ પાંગરેલા આ વિચારને સમજાવવાનો એક નમ્ર પ્રયાસ માત્ર છે. હું ક્રિશ્ચનીટી કે દર્શનશાસ્ત્રના વિષયનો અભ્યાસુ નથી પરંતુ પત્રકારત્વ ક્ષેત્રના આજીવન વિદ્યાર્થી તરીકે વિવિધ વિચારોનો અભ્યાસ કરવાનો મારો રસનો વિષય રહ્યો છે. એટલે જ અલગ અલગ વિચારો વહેંચવા ગમે છે. શક્ય છે કે, ક્યાંક વિગતમાં કોઈ કચાશ પણ હોય પરંતુ ઓવરઓલ ક્રિશ્ચનીટીનો ઉદભવ અને વિકાસની વાત ઉજાગર જરૂર થઇ શકશે એમ માનું છે.

ક્રિશ્ચનીટીના ઉદભવ અને વિકાસ માટે સૌથી પહેલા ઈબ્રાહીમ વિશે જાણકારી પ્રાપ્ત કરવી રહી. આખુ મિડલ ઇસ્ટ માને છે કે, ઇબ્રાહીમ નામના મહાપુરુષના બે સંતાનો પૈકી મોટો દીકરો ઇસ્માઈલ અને નાનો દીકરો ઇસહાક. ઇસહાકને આઇઝેક તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈસ્માઈલના અવતરણની સદીઓ પછી મહંમદ પાયગંબર આવ્યા. એમણે ઇસ્લામના વિચારને બળવત્તર બનાવ્યો. જોકે આ ઇસ્લામની વિચારધારા સંદર્ભેની વાત અલગથી બીજા લેખમાં રજૂ કરીશ. આજે તો ક્રિશ્ચનીટીની વિચારધારા સંદર્ભે વાત કરવી છે. ઈબ્રાહિમના નાના દીકરા ઇસહાક અથવા આઇઝેકની પરંપરામાં ક્રિશ્ચનીટીના મૂળ રહેલા છે. ઇસહાકનો પુત્ર જેકબ. એને યાકુબ કે ઇઝરાયેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. યાકુબને બાર સંતાનો હતા. પ્રત્યેક સંતાનનો એક કબિલો એમ કુલ બાર કબીલાઓની વિચારધારાઓ મિડલ ઇસ્ટમાં એક સમયે હતી. આ બાર સંતાનો પૈકી એકનું નામ યહૂદા હતું. યહૂદાને જુડા પણ કહે છે. એના ઉપરથી જ જુડાઈશ અર્થાત યહૂદી ધર્મ અંગેના વિચારો આવ્યા. મિડલ ઇસ્ટના આ સમગ્ર વિસ્તારમાં યહૂદી વિચારધારા બળવત્તર હતી. રોમન શાસકોનો અહીં દબદબો હતો.
એવામાં ઈસવીસન પૂર્વે 30 થી 33 વચ્ચે યરુસલેમ કે જેને ઝેરૂસલેમ પણ કહે છે ત્યાં આવેલા બેથલેહેમમાં મધર મેરીની કુખે એક અત્યંત પ્રભાવી અને મેઘાવી બાળકનો જન્મ થયો. આ બાળક બાયોલોજીકલી પૃથ્વી ઉપર અવતર્યુ નહતું. એટલે જ મધર મેરીને ‘મેરી ધ વર્જીન’ કહેવામાં આવે છે. આ મેઘાવી બાળકનું બાળપણ નજરેથ અને ગેલેલી ટાઉનમાં વીત્યુ. એ જમાનામાં બાળકની ઓળખાણ એના ટાઉનના નામથી થતી. એ જ રીતે આ બાળકને જિસસ ધ નજરેથ કે જિસસ ધ ગેલેલી કહેતા. જીસસ બાળપણથી જ ખૂબ અંતરમુખી, વિચારશીલ અને મેઘાવી હતા.
એ સમયમાં જુડાઈશ વિચારધારામાં પ્રવર્તતી અરુચીકર બાબતો સામે વિરોધ કરીને સમાજને સુધારવા માટે જીસસે પ્રયત્ન શરૂ કર્યા. જીસસ 30 વર્ષના થયા ત્યારે જોર્ડન નદીના કિનારે જોન દ્વારા એમને બાપ્ટિસ્ટ આપવામાં આવી. એ પછી જીસસ એમના બાર જેટલા સાથીઓ સાથે સમાજ સુધારણાના વિચારોના વિસ્તાર માટે પ્રવાસમાં નીકળી પડ્યા. જીસસ મૂળતઃ યહૂદી કુળના હતા. જ્યારે જીસસ સમાજમાં નવા સુધારા માટે પ્રવાસમાં નીકળ્યા ત્યારે એમના માનસપટ ઉપર કોઈ અલગ વિચારધારા કે ધર્મ સ્થાપનાનો ખ્યાલ નહતો. એમને તો એ સમયે યહૂદી પરંપરામાં ચાલ્યા આવતા દુષણો સંદર્ભે જનજાગૃતિ આણવી હતી. એમણે એમના પ્રવાસ દરમિયાન જનસેવા અને બીમારોની સેવાને સૌથી વધુ પ્રાધાન્ય આપ્યું. એમણે લઝારસ નામના એક મૃત વ્યક્તિને પુનઃજીવિત કર્યો. આ ઉપરાંત પાણી ઉપર ચાલીને તથા એક અંધ વ્યક્તિને દ્રષ્ટિ આપીને લોકોમાં અદભુત ચાહના પ્રાપ્ત કરી હતી. દિન પ્રતિ દિન જીસસની સેવાકીય પ્રવૃત્તિઓ લોક હૃદયમાં મજબૂત સ્થાન પ્રાપ્ત કરતી જતી હતી.
એ સમયે ટેમ્પલ ઓફ માઉન્ટમાં ચાલતી વેપારીઓની મનમાની, પશુઓની બેફામ લે-વેચ, ગંદકી અને રૂઢિગત કુરિવાજો સામે જીસસે નવતર વિચારો આપ્યા. સ્વાભાવિક રીતે જ કટરપંથી યહૂદીઓને જીસસની આ પ્રકારની વર્તણૂક કઠવા લાગી. જીસસનો પ્રેમ અને કરુણાનો સંદેશ આ કટરપંથીઓ યહૂદીને પસંદ ન પડ્યો. આ કટરપંથી યહૂદીઓએ જીસસને દોલારસની ગલીઓમાંથી ટોર્ચર કરતા લઈ જઈને ગોલગોથાની ટેકરી ઉપર ક્રોસ ઉપર ખીલા ઠોકીને લટકાવી દીધા. આ પ્રક્રિયાને ક્રુસિફાઇડ કહેવામાં આવે છે. જે માર્ગ ઉપરથી જીસસને ક્રુસિફાઇડ કરવા લઈ જવાયા એ શેરીનો માર્ગ આજે પણ જગતભરના ક્રિશ્ચનો માટે પવિત્ર યાત્રાસ્થળ ગણાય છે. જીસસનું ક્રાઈસ્ટ નામ પડવા પાછળની પણ એક કથા છે. જીસસે એકવાર એમના અનુયાયીઓ સાથેની બેઠકમાં પૂછ્યું કે, ‘હું કોણ છું ?’ ત્યારે એમના સૌથી પ્રિય એવા અનુયાયી પીટરે કહ્યું કે, ‘તમે ક્રાઈસ્ટ છો.’ જીસસને પીટરે આપેલું આ નામ રુચ્યું અને પછી જીસસ ક્રાઈસ્ટ તરીકે ઓળખાવા લાગ્યા.
કટરપંથી યહૂદીઓએ એમની ૭૫ સભ્યોની પંચાયતમાં જીસસને મૃત્યુ દંડની સજા આપી હતી. એ સમયગાળામાં રોમન શાસકનો પ્રતિનિધિ આ વિસ્તારમાં ગવર્નર તરીકે રહેતો. યહુદી પંચાયતના સદસ્યો જ્યારે પણ મૃત્યુ દંડનો ચુકાદો આપે ત્યારે એ ચુકાદાને ગવર્નર પાસે રજૂ કરવો પડતો. આ પરંપરા મુજબ જીસસનો કેસ પણ એ વખતના રોમન શાસક ગવર્નર પોન્ટિયન્સ પાયલેટ પાસે પહોંચ્યો. પાયલેટે જીસસ સામેના કેસમાં કોઈ નક્કર બાબત ન હોવાનું જણાવ્યું પરંતુ કટ્ટરપંથી યહૂદીઓ વિરુદ્ધમાં ચુકાદો આપવો મુનાસિબ ન લાગતા પાઇલેટે જીસસને મૃત્યુ દંડની સજા બરકરાર રાખી. શુક્રવારે બપોરે ત્રણથી પાંચ વચ્ચે જીસસને ક્રુસિફાઇડ કરવાના હતા એના આગલા દિવસે જીસસે એમના સાથીઓ સાથે સાંજના જમણ પછીના નાસ્તા વેળા વાત કરતાં કહ્યું હતું કે, આગામી દિવસમાં એમને ક્રુસિફાઇડ કરવામાં આવશે અને ખુબ શારીરિક યાતનાઓ આપવામાં આવશે. એમને જે તમામ ઘટનાઓ જણાવી એ બીજા દિવસે તેમના ઉપર ભયાનક અત્યાચાર સ્વરૂપે ખરેખર બની. આ જમણનો ઉલ્લેખ બાઈબલમાં ‘લાસ્ટ સપર’ તરીકે થયો છે. ક્રુસિફાઇડ થયા બાદ જીસસને કબરમાં દફનાવવામાં આવ્યા હતા. બરાબર બે દિવસ પછી જીસસ કબરમાંથી પુનઃ ઊભા થયા અને એમના સાથીઓને ૫૦ દિવસ સુધી મહત્વપૂર્ણ ઉપદેશ આપ્યા. આ ઘટનાને ‘ઈસ્ટર’ કહેવામાં આવે છે. ૫૦ દિવસ સુધી જીસસે એમના સાથીઓને મહત્વપૂર્ણ વિચારો વહેચ્યા. એમના દેહાવસાનના ૫૦ દિવસમાં પ્રથમ ચર્ચ અસ્તિત્વમાં આવ્યું એને ‘ડે ઓફ પેન્ટેકોસ્ટ’ કહેવામાં આવે છે.
જીસસના દેહાવસાન બાદ એમના વિચારોને અનુસરવાવાળા લોકો દિન પ્રતિદિન વધતા ચાલ્યા. રોમન એમ્પાયર કોન્સ્ટેન્ટેને ઇસવીસન પૂર્વે ૨૮૦ થી ૩૩૭ દરમિયાન ક્રિશ્ચનિટીના વિચારોનો સ્વીકાર કર્યો. સ્વાભાવિક રીતે જ રાજા જે વિચારને અનુસરે એને સમગ્ર પ્રજામાં સ્વીકૃતી મળે જ મળે. અહીંથી ક્રિશ્ચનિટીની વિચારધારાનો વધુ વિસ્તાર થયો. ક્રિશ્ચનિટીના વિચારમાં ટ્રીનીટી શબ્દનું પણ અદકેરું મહત્વ છે. ઈશ્વર, ઈશ્વરનું સંતાન અને પવિત્ર ગ્રંથ આ ત્રણ બાબતોનો સમન્વય એટલે ટ્રીનીટી. જીસસના અનુયાયીઓએ વિવિધ પ્રાંતો, પ્રદેશો અને રાષ્ટ્રોમાં જઈને જિસસના વિચારોનું વહન કરવાનું કામ કર્યું. જીસસના વિચારો બાઇબલમાં અંકિત થયા છે. બાઇબલમાં ૬૬ પુસ્તિકાઓનું સંકલન છે. હિબ્રુ ભાષામાં ઓલ્ડ ટેસ્ટામેન્ટ છે કે જેને યહૂદીઓ અનુસરે છે. અને ગ્રીક તથા હિબ્રુ બન્ને ભાષામાં ન્યુ ટેસ્ટામેટ છે કે જેને ખ્રિસ્તીઓ અનુસરે છે. મેથ્યુ, માર્ક, લ્યુક અને જોન દ્વારા લખાયેલી ચાર પુસ્તિકાઓ ન્યુ ટેસ્ટામેંટમાં મહત્વનો વિભાગ છે. આને ‘ગોસ્પેલ’ પણ કહે છે. ‘ગોસ્પેલ’નો અર્થ ‘ગુડ ન્યુઝ’ થાય છે. ૭૦ થી ૧૦૦ એડી વચ્ચે આ ચાર મહાપુરુષોએ ‘ગોસ્પેલ’ લખ્યા હોવાનું અનુમાન છે. આ ઉપરાંત ચર્ચમાં અનુસરવાની કાર્યપદ્ધતિનો નિર્દેશ કરતા પત્રોનો પણ બાઇબલમાં સમાવેશ કરાયો છે. આ પત્રોને ‘ઇપીસ્ટલ્સ’ કહેવામાં આવે છે. જેમ વધુ માન્યતા મળે અને નાણાકીય સધ્ધરતા પ્રાપ્ત થાય એમ કેટલીક ગેરેરીતિઓનું દુષણ સ્વાભાવિક રીતે જ પ્રવેશ પામતું હોય છે. ચર્ચમાં ચાલતી અયોગ્ય પ્રવૃત્તિઓ સામે માર્ટીન લ્યુથરે ૯૫ સવાલો ઉઠાવ્યા. આ સવાલોને કારણે ક્રિશ્ચનિટીના વિચારોમાં પ્રોટેસ્ટન્ટ નામનો નવો પંથ અસ્તિત્વમાં આવ્યો. કેથલીક પંથમાંથી પ્રોટેસ્ટન્ટ નામનો બીજો પંથ માર્ટીન લ્યુથરે ઉભા કરેલા સવાલોને કારણે અસ્તિત્વમાં આવ્યો.
આજે ૨.૩૮ બિલિયન ક્રિશ્ચનો એટલે કે, ૩૧ ટકા વસ્તી સાથે ક્રિશ્ચનો વિશ્વની વસ્તીમાં પ્રથમ ક્રમે છે. મૂળત: યહૂદી વિચારધારામાંથી આવેલી ક્રિશ્ચનિટીની વિચારધારાને જગતના ઘણા દેશોમાં અનુસરવામાં આવે છે. ઈબ્રાહિમિક વર્લ્ડની મુખ્ય ત્રણ વિચારધારા જુડાઈસ્ટ, ક્રિશ્ચિયનિટી અને ઇસ્લામનો ઉદભવ મિડલ ઇસ્ટના જેરુસલેમની ભૂમિ ઉપર થયો છે. ત્રણેય વિચારધારાના પવિત્ર સ્થાન ટેમ્પલ ઓફ માઉન્ટ, દોલારસ, વેસ્ટર્ન વોલ અને ક્રુસિફાઇડ કરવામાં આવેલી ગોલગોથા પર્વતની સાઈટ આ વિસ્તારમાં જ આવેલી છે. ત્રણેય વિચારધારાના મૂળ આ વિસ્તારથી જોડાયેલા છે.