
જૂનિયર તબીબોની હડતાળથી સરકારી હોસ્પિટલોની સેવા પર પડી અસરઃ સિનિયર તબીબોને સોંપાઈ જવાબદારી
અમદાવાદઃ રાજ્યમાં છ સરકારી મેડિકલ કોલેજોના બે હજારથી વધુ જુનિયર ડોક્ટરો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. જ્યારે બીજી તરફ સરકારે જુનિયર ડોક્ટરોને હોસ્ટેલ ખાલી કરવાના આદેશો જારી કર્યા છે. છતાં જુનિયર ડોક્ટરો હડતાળ યથાવત રાખવા મક્કમ છે. જેથી જુનિયર ડોક્ટરો અને સરકાર આમને સામને આવી ગયા છે. જુનિયર ડોક્ટરોની હડતાળ છતાં સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી-ઓપીડી સહિતની સેવાઓ યથાવત છે, પણ 45 ટકા પ્લાન્ડ સર્જરી રદ કરવાની ફરજ પડી છે. જો કે, હોસ્પિટલતંત્ર દ્વારા સિનિયર ડોક્ટરો(ફેકલ્ટી)ની રાઉન્ડ ધ કલોક ડ્યૂટી ગોઠવવામાં આવી છે.
જુનિયર ડોકટરોના પ્રતિનિધિના જણાવ્યાં મુજબ, અમે હંમેશા દર્દીના હિતમાં કામ કર્યું છે, કોવિડના કપરા સમયમાં મેડિસિન ઉપરાંત એનેસ્થેસિયા, સાઈક્યાટ્રિક અને ગાયનેક સહિતના તમામ ફેકલ્ટીના ડોક્ટરોને ડ્યૂટી સોંપાઇ હતી. તેમજ સરકારે એક દિવસની ડ્યૂટી સામે બે દિવસ ગણવા અંગે 1.2 વાળી સિસ્ટમ મુજબ બોન્ડ પરિપત્ર કર્યો હતો, પણ હવે સરકારે ફેરવી તોળ્યું છે. અમે રજૂઆત કરવા ગયા તો અમારી સાથે તોછડું વર્તન કરીને અમને હાંકી કાઢ્યા છે. જો કે, અમને હોસ્ટેલ ખાલી કરવાનો કોઇ આદેશ આપ્યાં નથી. પરંતુ, અમે અમારી માંગણી મુદ્દે અડગ રહીને ન્યાય માટે લડતા રહેવાનો નિર્ણય કર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજ સહિત રાજ્યનાં છ શહેરોની સરકારી મેડિકલ કોલેજનાં અંદાજે 2 હજારથી વધુ ડોકટરો હડતાળ પર ઉતર્યા છે. અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજના અંદાજે 600થી 700 જેટલાં જુનિયર ડોક્ટરો જોડાયા છે. જો કે, સરકારના આદેશને પગલે ભાવનગરની મેડિકલ કોલેજમાં હોસ્ટેલમાં રહેતાં વિદ્યાર્થીઓને તંત્રએ હોસ્ટેલ ખાલી કરવાના આદેશ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. રેસિડેન્ટ અને ઈન્ટર્ન ડોક્ટરો હોસ્ટેલમાં રહે છે. પરંતુ જે ડોક્ટરો હડતાળમાં જોડાયા છે તેમને તાત્કાલિક અસરથી હોસ્ટેલ ખાલી કરવા સૂચના આપી દેવામાં આવી છે.હવે સરકારની સામે પડેલા ડોક્ટરો આ સમયે પોતાની માંગ પર અડગ છે. તેઓ કોરોના કાળમાં કોવિડમાં સેવા આપ્યા બાદ તેમની સાથે અન્યાય થયો હોવાની વાત કરી રહ્યાં છે. કોવીડ સમયમાં દર્દીનો ભારે ધસારો રહેવાથી આરોગ્ય કમિશનર દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટના અભ્યાસના સમયગાળામાં વધારો કરાયો, એમડી, એમ.એસ અને ડિપ્લોમા ડોક્ટરની બેચના સમયગાળમાં 3 મહિનાનો વધારો કર્યો, તેમજ બોન્ડનો સમયગાળો 1.2 એટલે કે, 1 મહિનાની ડ્યૂટી 2 મહિનાનો બોન્ડ સર્વિસ તરીકે ગણાય તેવો પરિપત્ર કર્યો હતો. પરંતુ, હવે સરકાર તેમના વચનમાંથી ફરી ગઇ છે. કમિશનરને રજૂઆત કરવા જતાં હડધૂત કરીને કઢાતા જુનિયર ડોક્ટરોમાં રોષ છે. છેલ્લા ત્રણ દિવસથી ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે.