 
                                    તમિલનાડુ: એક્ટર કમલ હાસને વિધાનસભાની ચૂંટણી લડવાની કરી જાહેરાત, બેઠકની પછીથી કરશે જાહેર
- કમલ હાસને વિધાનસભાની ચૂંટણી લડવાની કરી જાહેરાત
- તેઓ કઈ બેઠક પરથી લડશે તે અંગે પછીથી કરશે જાહેરાત
- 2018 ના રોજ મદુરાઇમાં MNM પાર્ટીની કરી હતી શરૂઆત
બેંગ્લોર: તમિલનાડુમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચુંટણી માટે હવે એક્ટર અને મક્કલ નિધિ માઈમના પ્રમુખ કમલ હાસને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેઓ કઈ બેઠક પરથી લડશે તે અંગેનો ખુલાસો કર્યો નથી. તેમણે કહ્યું કે, તે કઇ બેઠક પરથી ચૂંટણી લડશે, તે ટૂંક સમયમાં જ તેની જાહેરાત કરશે. કમલ હાસને કહ્યું હતું કે “હું ચોક્કસપણે આગામી ચૂંટણી લડીશ,હું પછી જે બેઠક પરથી લડીશ તે વિસ્તારની જાહેરાત કરીશ.”
હાસનએ 21 ફેબ્રુઆરી 2018ના રોજ મદુરાઇમાં એમએનએમ પાર્ટી શરૂ કરી હતી. પાર્ટી એપ્રિલ/મે 2021 માં આગામી તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. રવિવારે કમલ હાસને ચૂંટણી માટેના ચાર દિવસીય પ્રચારની શરૂઆત કરી હતી. 13થી 16 ડિસેમ્બર વચ્ચેના અભિયાનના પ્રથમ તબક્કામાં, હસન મદુરાઇ, થેની, ડિંડીગુલ, વિરુધુનગર, તિરુનેલવેલી, તુતીકોરિન અને કન્યાકુમારી જિલ્લાઓને આવરી લેશે.
એમએનએમએ લોકસભાની ચૂંટણી લડી હતી
એમએનએમએ એકલા 2019 ની લોકસભાની ચૂંટણી લડી હતી,પરંતુ તેઓ પ્રભાવ પાડવામાં અસફળ રહ્યા હતા. સામાન્ય ચૂંટણીઓમાં હાર છતાં હાસને હાલમાં દાવો કર્યો હતો કે, તેમની પાર્ટી તમિલનાડુમાં ત્રીજા મોરચાના રૂપમાં ઉભરી છે.
મદુરાઇને રાજ્યની બીજી રાજધાની ગણાવતા તેમણે કહ્યું હતું કે, તેમની પાર્ટી “મદુરાઇને તમિલનાડુની બીજી રાજધાની તરીકે સ્થાપિત કરવાના પુરૂષાથલીવર એમજીઆરના સ્વપ્નને આગળ લઇ જશે”.
મદુરાઇને બનાવશે બીજી રાજધાની
મદુરાઇમાં કમસારસર રોડ પર એક સભાને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે, ” પુરુષાથલીવર એમજીઆરનું મદુરાઇને તમિલનાડુની બીજી રાજધાની તરીકે સ્થાપિત કરવાનું સ્વપ્ન હતું. અમે આ સ્વપ્નને આગળ લઈ જઈશું. જો એમએનએમ સત્તા પર આવશે, તો મદુરાઇને તમિલનાડુની બીજી રાજધાની બનાવવામાં આવશે.”
-દેવાંશી
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

