ગાંધીનગર, 09 જાન્યુઆરી 2026: રાજ્યમાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણના પર્વના દરમિયાન પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આ સાથે જ,તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી નાગરીકો પશુઓને ખાસ કરીને ગાયને ઘુઘરી,રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવતાં હોય છે. જેના થકી ઘણીવાર પશુઓને આફરો અને પોઇઝનીંગ થતું હોય છે.
આવા પશુ-પક્ષીઓને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય તે માટે વર્ષ 2015થી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્યભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આવતીકાલે તા.10 થી 20 જાન્યુઆરી 2026 દરમિયાન કરૂણા અભિયાન હાથ ધરવામાં આવશે તેમ, વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું.
મંત્રી મોઢવાડિયાએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ કરૂણાસભર પહેલના પરિણામે અનેક અબોલ પશુ-પક્ષીઓને નવજીવન મળ્યું છે. છેલ્લા 09 વર્ષમાં કરૂણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 1.12 લાખથી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા છે. ગુજરાતે સૌપ્રથમવાર શરુ કરેલું ‘કરૂણા અભિયાન’નું આદર્શ મોડલ આજે સમગ્ર દેશ માટે પથદર્શક બન્યું છે.
મંત્રીએ ઉત્તરાયણ પર્વની સૌને શુભેચ્છા આપી અપીલ કરતા કહ્યું હતું કે, સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચરતા હોય છે જેથી સવારે અને સાંજે શક્ય હોય તો પતંગ ન ચગાવવા જોઈએ. સાથે જ ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો પણ ઉપયોગ ન કરવા જણાવ્યું હતું.
મંત્રી મોઢવાડિયાએ આ અંગે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્યમાં કરૂણા અભિયાન 2026 અંતર્ગત વન વિભાગ, પશુપાલન વિભાગ અને સ્વયંસેવી સંસ્થાઓ સાથે મળીને રાજ્યભરમાં કુલ 450 જેટલા કલેક્શન સેન્ટર, 85 જેટલા કંટ્રોલરૂમ તથા 480 વધુ સારવાર કેન્દ્રો અબોલ પક્ષીઓના સારવાર તેમજ બચાવ કાર્ય માટે કાર્યરત કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો પર કુલ 740થી વધુ વેટરનરી ડોકટર તથા અંદાજે 8500 થી વધુ કર્મચારીઓ-સ્વયંસેવકો પક્ષીઓના બચાવ-સારવાર માટે સેવા આપી રહ્યા છે.
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ કહ્યું હતું કે, રાજ્યભરમાં 1962 નંબર ડાયલ કરી ઘાયલ પક્ષીઓની સારવાર માટે સહાય મેળવી શકાશે. આગામી તા. 10 થી 20 જાન્યુઆરી દરમિયાન ઘાયલ પક્ષીઓના બચાવ માટે અને પક્ષીઓને સમયસર સારવાર આપવા વાઈલ્ડ લાઈફ હેલ્પ લાઈન નંબર 83200 02000 જાહેર કરાયો છે. આ નંબર પર વોટ્સએપમાં “Hi” લખવાથી નજીકના પક્ષી સારવાર કેન્દ્રોની જાણકારી મેળવી શકાશે. સવારે 7 થી સાંજે 6 દરમિયાન દરેક તાલુકામાં કંટ્રોલરૂમ કાર્યરત રહેશે. જરૂર જણાશે તો કરૂણા એમ્બુલન્સ સ્થળ પર થઈ ઘાયલ પક્ષીઓની બચાવ કામગીરીમાં જોડાશે.
મંત્રી માળીએ કહ્યું હતું કે, ઘાયલ પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા વન વિભાગ દ્વારા જિલ્લાવાર નોડલ અધિકારી તથા નિયંત્રણ અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે. તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને અન્ય વિસ્તારોમાં આ કરૂણા અભિયાનને વેગ આપી તેમાં સ્વંયસેવી સંસ્થાઓ અને શિક્ષણ સંસ્થાઓનો સહયોગ લેવામાં આવશે.
આ અભિયાનમાં મોટી સંખ્યામાં યુવાનો અને સામન્ય પ્રજાજનો જોડાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાગૃતિ કાર્યક્રમો પણ ઠેર ઠેર યોજાશે. ચાયનીઝ માંજાનો ઉપયોગ ન કરવા અને સુર્યોદય તથા સુર્યાસ્ત સમયે પક્ષીઓ વધુ પ્રમાણમાં આકાશમાં ઉડતા હોવાથી આ સમયે પતંગ ન ચગાવવા પણ મંત્રીએ નાગરિકોને અપીલ કરી હતી.
વધુ વાંચો: સોમનાથ સ્વાભિમાન પર્વ: સાધુ- સંતો ભગવાન સોમનાથના દર્શનાર્થે પહોંચ્યા


