
કે.એલ.રાહુલને ટેટૂના કારણે માતા-પિતાની નારજગીનો સામનો કરવો પડ્યો હતો
ભારતીય ક્રિકેટ ટીમનો મહત્વનો ખેલાડી અને હાલ આઈપીએલમાં દિલ્હી તરફથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો કે.એલ.રાહુલ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. કે.એલ.રાહુલે પ્રથમવાર જ્યારે પોતાના શરીર ઉપર ટેટુ કરાવ્યું ત્યારે તેને માતા-પિતાની ભારે નારાજગીનો સામનો કરવો પડ્યો હતો.
કેએલ રાહુલ દિલ્હી કેપિટલ્સનો એક મજબૂત ખેલાડી છે. તેણે IPLમાં ઘણી વખત પોતાનો જાદુ બતાવ્યો છે. રાહુલ IPL 2025 માં પણ સારું પ્રદર્શન કરી રહ્યો છે. તે 33 વર્ષનો થઈ ગયો છે. પરંતુ રાહુલના જીવન સાથે જોડાયેલી એક રસપ્રદ વાર્તા છે, જે બહુ ઓછા લોકો જાણે છે. રાહુલે પોતાના શરીર પર ઘણા ટેટૂ બનાવડાવ્યા છે. તેણે 16 વર્ષની ઉંમરે પોતાનું પહેલું ટેટૂ કરાવ્યું હતું. રાહુલ તેના સ્ટાઇલ આઇકોન ડેવિડ બેકહામથી પ્રભાવિત હતો. જ્યારે રાહુલે પોતાનું પહેલું ટેટૂ કરાવ્યું, ત્યારે તેની માતાને લાગ્યું કે તે એક સ્ટીકર છે. પણ જ્યારે તેને ખબર પડી કે તે ટેટૂ છે, ત્યારે તે ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. રાહુલના ઘરે આ અંગે ઘણો રોષ હતો. જોકે, આ પછી રાહુલે તેની માતા રાજેશ્વરી અને પિતા લોકેશના નામ પણ ટેટૂ કરાવ્યા. તેણે આ ટેટૂ પોતાના કાંડા પર બનાવડાવ્યું છે. આ પછી તેનો ગુસ્સો શાંત થઈ ગયો હતો.
રાહુલે પાછળની બાજુએ રોમન આંકડાઓમાં પોતાની ટેસ્ટ કેપનો નંબર કોતરેલો છે. તેમનું આ ટેટૂ ઘણું મોટું છે. રાહુલનો ટેસ્ટ કેપ નંબર 284 છે.