
દરિયાઈ સુરક્ષામાં ચૂક, ગેટવે ઓફ ઈન્ડિયા પર કુવૈતની બોટ પકડાઈ
મુંબઈઃ અરબી સમુદ્રમાં ગેટવે ઓફ ઈન્ડિયા પાસે એક શંકાસ્પદ બોટ જોવા મળતાં ખળભળાટ મચી ગયો હતો. મુંબઈની દરિયાઈ પેટ્રોલિંગ પોલીસ તરત જ સક્રિય થઈ ગઈ અને બોટને જપ્ત કરી તપાસ હાથ ધરી હતી. બોટમાં ત્રણ ભારતીયો હતા જેઓ તમિલનાડુના માછીમારો છે. પોલીસે ત્રણેયની અટકાયત કરીને પૂછપરછ આરંભી હતી. જોકે, ત્રણેય પાસેથી કોઈ હથિયારો મળ્યા ન હોવાથી પોલીસે કોઈ આતંકવાદી ઘટનાની શક્યતા નકારી કાઢી છે. તેમ છતા પ્રશ્ન ચોક્કસપણે ઉભો થાય છે કે કુવૈતી બોટ દરિયાઈ સુરક્ષા તોડીને ગેટવે ઓફ ઈન્ડિયા સુધી કેવી રીતે પહોંચી?
પોલીસના જણાવ્યા અનુસાર, બીચથી થોડે દૂર અરબી સમુદ્રમાં થોડી હિલચાલ જોવા મળી હતી. વોચ ટાવર પરથી જાણવા મળ્યું કે એક શંકાસ્પદ બોટ ભારતીય જળસીમામાં પ્રવેશી હતી. મુંબઈ પોલીસની પેટ્રોલિંગ ટીમે બોટને અટકાવી અને ત્રણ શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. તેમજ ત્રણેયને કોલાબા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. પોલીસે ગેરકાયદેસર ઘૂસણખોરીનો કેસ નોંધી શકમંદોની પૂછપરછ શરૂ કરી હતી.
ગેટવે ઓફ ઈન્ડિયા પાસે એક શંકાસ્પદ બોટ મળી આવવાથી ફરીથી 26/11ના આતંકવાદી હુમલાની યાદો તાજી થઈ ગઈ હતી. મામલો ગંભીર હોવાથી ભારતીય નેવી, કોસ્ટ ગાર્ડ અને કોસ્ટલ પોલીસની સંયુક્ત ટીમે તપાસ હાથ ધરી હતી. પરંતુ, આ ઘટનાથી અનેક સવાલો ઉભા થયા છે. પ્રશ્ન એ પણ છે કે તેઓ દક્ષિણ ભારતના દરિયા કિનારે જવાને બદલે ગેટવે ઓફ ઈન્ડિયા પર કેમ આવ્યા? પોલીસ એક પછી એક તમામ પાસાઓની તપાસ કરી રહી છે. તમિલનાડુ પોલીસ દ્વારા તેમના પરિવારજનોનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.