
લખનૌઃ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે મંદિર ભક્તો માટે દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. દરમિયાન વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યાં હતા. બીજી તરફ મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભક્તોને જોઈને તંત્રના હોંશ પણ ઉડી ગયા હતા. મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા મંદિર પરિસર નજીકથી ધક્કામુક્કી થઈ હતી. જેથી તંત્ર દ્વારા હળવો બળ પ્રયોગ કર્યો હતો. દરમિયાન આજે પ્રથમ દિવસે અઢીથી ત્રણ લાખ શ્રદ્ધાળુઓએ પ્રથમ દિવસે રામલલાના દર્શન કર્યાં હતા. જ્યારે આટલા જ ભક્તો પ્રભુ શ્રી રામના દર્શન કરવાની રાહ જોઈ રહ્યાં છે. તંત્ર દ્વારા ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને તમામ વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળે છે.
અયોધ્યામાં મંદિર તરફથી આવતા તમામ માર્ગો પાંચ કિમી પહેલા વાહન માટે બંધ કરવામાં આવ્યા હતા. માત્ર પગપાળા જતા શ્રદ્ધાળુઓને જવા દેવાની મંજુરી અપાઈ હતી. ભારે ભીડને જોઈને વાહનનો જતા અટકાવવામાં આવ્યા હતા. પરિવહન નિગમના અધિકારી મનોજ પુંડીરના જણાવ્યા અનુસાર અયોધ્યા જનાર તમામ માર્ગો ઉપર બંસ સેવા બંધ કરવામાં આવી છે. લખનૌ જિલ્લા અધિકારીએ કોઈ પણ યાત્રીને અયોધ્યા ન જાવ દેવા માટે નિર્દેશ કર્યો હતો. ભક્તોની ભીડને પગલે પરિસ્થિતિને કાબુમાં લેવા પ્રયાસો કરવામાં આવી છે.
મંગળવારે અડધી રાતથી મંદિરની બહાર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સવાર ભક્તોની ભીડ જોઈ તંત્ર પણ સ્તબ્ધ બની ગયું હતું. વહેલી સવારે 4 કલાકે શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કરવા માટે રામજન્મભૂમિ પહોંચ્યા હતા. મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજીએ જણાવ્યું હતું કે, સવારે 6.30 કલાકે આરતી બાદ દર્શન માટે મંદિર ખોલવામાં આવ્યું ત્યારે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્રણ દિવસ પહેલા જ અયોધ્યા આવી પહોંચ્યાં હતા. ભીડને ધ્યાનમાં રાખીને બપોરના સમયે પણ એક કલાક પહેલા મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હતા.