
પ્રાકૃતિક કૃષિથી જ જમીન ફળદ્રુપ બનશે, તાપી જિલ્લાની મહિલા ખેડુતો સાથે રાજ્યપાલએ કર્યો સંવાદ
સુરતઃ તાપી જિલ્લાના મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા સરહદી ઉચ્છલ તાલુકાના હરિપુરા ખાતે ધરતી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ-ઉચ્છલ, અને સુરત-તાપી જિલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘ (સુમુલ ડેરી)નાં સંયુકત ઉપક્રમે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલન યોજાયું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જનમેદનીને ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, તાપી જિલ્લાના હર્યાભર્યા ખેતરો જોઇને ખ્યાલ આવે છે કે, તાપી જિલ્લાના ખેડૂતો ખુબ મહેનતુ અને પરિશ્રમી છે. મહિલાઓની ભાગીદારી તમામ ક્ષેત્રોમાં અગત્યની રહી છે ત્યારે, મહિલાઓ પ્રાકૃતિક ખેતી અપનાવે તે જરૂરી છે એમ ઉમેરી, યુરિયા-ડીએપી જેવા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના બેફામ ઉપયોગના કારણે ધરતી બીનઉપજાઉ બની છે એમ જણાવ્યું હતું.
તેમણે પ્રાકૃતિક ખેતીને લોકો જૈવિક ખેતી સમજી લે છે, રાજ્યપાલએ લોકોની ગેરસમજ દુર કરી પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર જાણકારી આપી પ્રાકૃતિક ખેતીના પાંચ આધારસ્તંભથી સૌને અવગત કરાવ્યા હતા. તેમણે પોતાના અનુભવો વર્ણવી કહ્યું કે, પ્રાકૃતિક ખેતીથી જમીનની ગુણવત્તા વધે અને તેના કારણે ઉત્પાદનમાં વધારો થાય. જેના થકી ખેડૂતોની આવકમાં વધારો થાય છે. રાજયપાલએ પોતાના ખેતરમાં એક એકરમાં 35 ક્વિન્ટલ ડાંગર પકવી છે, એમ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું.
રાજ્યપાલએ દેશી ગાયનું પાલન કરવા ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે ખેતી માટે દેશી ગાયના છાણ અને ગૌમુત્રનું વિશેષ મહત્વ છે એમ ઉમેર્યું હતું. દેશી ગાયના છાણ અને ગૌમુત્રને ધરતી માટે અમૃત ગણાવ્યું હતું. તેમણે અળસિયાને ખેડૂતનો મિત્ર ગણાવી અળસિયા ધરતીને ગુણવાન બનાવે છે. પ્રાકૃતિક ખેતીમાં અળસિયાના જીવનચક્રના મહત્વ અંગે સૌને અવગત કરાવ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરોના ઉપયોગથી પ્રાકૃતિક કૃષિની સમતુલા ખોરવાઇ રહી છે. આબોહવા ખરાબ કરવાનું કાર્ય રાસાયણિક ખેતી કરી રહી છે. ધરતીમાં ઝેર ભેળવાતા અનેક પ્રકારના રોગો ઘર કરી ગયા છે. આ તમામ રોગોનું મુળ જંતુનાશક દવાઓ છે, એમ રાજ્યપાલએ કૃષિ પ્રત્યેની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું.
ગુજરાતના નવ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી ચૂક્યા હોવાનું જણાવી રાજયપાલએ પ્રાકૃતિક ખેતીથી ધરતી માતાને બચાવવાના આ મહાયજ્ઞમાં તાપીના ખેડૂત ભાઇ બહેનોએ પણ તપ કરવું પડશે એમ કહીને તેમણે તમામ ધરતીપુત્રો આ અભિયાનમાં સક્રિય રીતે જોડાય તે માટે આહ્વાન કર્યું હતું.
સુમુલ ડેરી સુરતના ચેરમેન માનસિંહ કે.પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે રાજયપાલને આદર્શ ખેડૂત ગણાવી તેમના આદર્શો ઉપર ચાલવા ખેડૂતોને આહ્વાન કર્યું હતું. આ સાથે તેમણે સુમુલ ડેરી દ્વારા તાપી જિલ્લામાં થતા કામકાજ અંગે રાજ્યપાલશ્રીને અવગત કર્યા હતા.
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ ડો. સી.કે. ટિમ્બડીયાએ સ્વાગત પ્રવચન કરીને સંસ્થાકીય પ્રવૃત્તિની વિસ્તૃત વિગતોની જાણકારી આપી હતી.