1. Home
  2. ગુજરાતી
  3. લિબિયાઃ પૂર્વ સરમુખત્યાર ગદ્દાફીના પુત્ર સૈફ અલ-ઇસ્લામની ગોળી મારી હત્યા કરાઈ
લિબિયાઃ પૂર્વ સરમુખત્યાર ગદ્દાફીના પુત્ર સૈફ અલ-ઇસ્લામની ગોળી મારી હત્યા કરાઈ

લિબિયાઃ પૂર્વ સરમુખત્યાર ગદ્દાફીના પુત્ર સૈફ અલ-ઇસ્લામની ગોળી મારી હત્યા કરાઈ

0
Social Share

ત્રિપોલી, 4 ફેબ્રુઆરી 2026: લિબિયામાં ફરી એકવાર રાજકીય હિંસા અને અરાજકતાનું વાતાવરણ ચરમસીમાએ પહોંચ્યું છે. લિબિયાના પૂર્વ સરમુખત્યાર મુઆમ્મર ગદ્દાફીના પુત્ર અને સત્તાના પ્રબળ દાવેદાર ગણાતા સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફી (ઉ.વ. 53)ની જિન્ટાન શહેરમાં અજાણ્યા બંદૂકધારીઓએ નિર્મમ હત્યા કરી છે. આ ઘટનાને કારણે આખા દેશમાં રાજકીય તણાવ વ્યાપી ગયો છે. સૈફ અલ-ઇસ્લામ પોતાના ઘરના બગીચામાં લટાર મારી રહ્યા હતા ત્યારે ચાર બંદૂકધારીઓ દીવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતા. હુમલાખોરોએ અત્યંત વ્યાવસાયિક રીતે પહેલા સુરક્ષા કેમેરાને નિષ્ક્રિય કર્યા હતા. ત્યારબાદ સૈફ અને હુમલાખોરો વચ્ચે થોડી ઝપાઝપી થઈ હતી, પરંતુ અંતે બંદૂકધારીઓએ તેમને ગોળીઓથી વીંધી નાખ્યા હતા. લિબિયાના સત્તાવાર સૂત્રો અને તેમના વકીલ ખાલિદ અલ-ઝાયદીએ આ હૃદયદ્રાવક ઘટનાની પુષ્ટિ કરી છે.

સૈફ અલ-ઇસ્લામ માત્ર ગદ્દાફીના પુત્ર જ નહીં, પરંતુ એક સમયે લિબિયાની સત્તાના વારસદાર માનવામાં આવતા હતા. મુઆમ્મર ગદ્દાફીના 42 વર્ષના શાસન દરમિયાન તેઓ સૌથી શક્તિશાળી વ્યક્તિ હતા. વર્ષ 2000 પછી તેમણે લિબિયાના પશ્ચિમી દેશો સાથેના સંબંધો સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 2011ના બળવા બાદ તેઓ લાંબો સમય જેલમાં રહ્યા અને જિન્ટાનની મિલિશિયાએ તેમને છ વર્ષ સુધી કેદ રાખ્યા હતા. 2015માં લિબિયાની અદાલતે તેમને મોતની સજા પણ ફટકારી હતી, પરંતુ બાદમાં તેઓ મુક્ત થયા હતા. 2021માં તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી, પરંતુ ચૂંટણી મોકૂફ રહેતા તેમનું સપનું અધૂરું રહ્યું હતું.

હુમલાખોરો કોઈ ખાસ ‘કમાન્ડો યુનિટ’ના હોવાનું મનાઈ રહ્યું છે. અત્યાર સુધી આ હત્યા પાછળનો હેતુ સ્પષ્ટ થયો નથી, પરંતુ લિબિયાના સત્તાધારીઓએ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. આ હત્યાકાંડથી લિબિયામાં ફરી એકવાર આંતરવિગ્રહ ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ આત્મનિર્ભર ભારતઃ આર્મેનિયા હવે ભારત પાસેથી ખરીદશે સ્વદેશી અસ્ત્ર મિસાઈલ, આકાશમાં વધશે તાકાત

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code