1. Home
  2. ગુજરાતી
  3. REVOઈમેગેઝિન
  4. જીવનઝરુખોઃ રેતી પર લખીશું કે પથ્થર પર?
જીવનઝરુખોઃ રેતી પર લખીશું કે પથ્થર પર?

જીવનઝરુખોઃ રેતી પર લખીશું કે પથ્થર પર?

0
Social Share

ઇચ્છાઓ, અપેક્ષાઓ, નિરાશાઓ, વ્યથાઓ,
એક શ્વાસની પૂતળીને ઘણી બેનપણી છે.  ભગવતીકુમાર  શર્મા

જન્મથી મરણ સુધીની જીવનયાત્રામાં માનવીની  અનંત ઇચ્છાઓની આવનજાવન દરિયાના મોજાની જેમ એક પછી એક એક એમ સતત ચાલુ રહે છે. માનવીને જાણે એક જીવનમાં અનેક જીવન જેટલું જીવી લેવું છે, પેઢીઓ સુધી ચાલે એટલું કમાઇ લેવું છે. પૈસો, કીર્તિ, સત્તા પ્રેમ, અનેક અપેક્ષાઓ કેટકેટલું મેળવવું છે માનવીને.

બહુ ઝડપથી બહુ બધું કરી નાખવાની ઇચ્છા જાગતી રહે છે. બધાને બધું ઝડપથી મેળવી લેવું છે. થોભવાની કે રાહ જોવાની કોઇની તૈયારી નથી. આખું જગત જાણે દોડી રહ્યું છે. એમાં પ્રાથમિકતા કઇ વાતની? એ વિચારવા જેટલો સમય કયાં હોય છે?

એકવાર એક પ્રોફેસરે પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે આજે તે તેમને જીવનનો એક મહત્ત્વનો પાઠ ભણાવવા માગે છે.

એમ કહી તેમણે એક કાચની બરણી ટેબલ પર રાખી.પછી તેમાં ટેબલ ટેનિસની નાની સફેદ દડીઓ તેમાં નાખી.આખી બરણી ભરાઇ જાય તેટલા દડા તેમાં નાખ્યા. હવે તેમાં એક પણ દડો સમાઇ શકે એમ નહોતો.પછી વિદ્યાર્થીઓને પૂછ્યું કે હવે આમાં એક પણ દડો સમાઇ શકે એમ છે? બધાએ ના પાડી.

આ પણ વાંચોઃ જીવનઝરૂખો..  રસ્તો કરી જવાના..

હવે પ્રોફેસરે એમાં નાના નાના કાંકરા નાખવાનું ચાલુ કર્યું. બરણીને હલાવતા ગયા અને કાંકરા નાખતા ગયા. વચ્ચેની ખાલી જગ્યામાં  ઘણાં કાંકરા સમાઇ ગયા.  હવે વધારે કાંકરા સમાઇ શકે એમ નહોતા. પછી તેમણે ફરીથી  વિદ્યાર્થીઓને પૂછ્યું, બરણી પૂરી ભરાઇ ગઇ છે?

જવાબ હા માં આવ્યો.  હવે પ્રોફેસરે રેતી લીધી અને બરણીમાં નાખવાનું શરૂ કર્યું  ધીમે ધીમે ઠોડી રેતી પણ એમાં સમાઇ ગઈ.

હવે બરણીમાં જગ્યા છે? એમ પૂછત બધાએ એકી અવાજે ના પાડી. હવે બરણીમાં કશું સમાઇ શકે એમ નથી.

ત્યારે પ્રોફેસરે ટેબલ નીચે રાખેલા ચા ભરેલા બે કપ કાઢ્યા. અને એક કપમાંથી ચા બરણીમાં રેડી. થોડી ચા રેતીમાં શોષાઇને સમાઇ ગઇ.

વિદ્યાર્થીઓને કશું સમજાયું નહીં.

આ પણ વાંચોઃ સ્કોપઃ પંચમહાભૂતમાં સમાયેલા 105 તત્વોનું નિર્માણ કેવી રીતે થયું?

હવે પ્રોફેસરે તેમને સમજાવતા કહ્યું, આ બરણીને આપણું જીવન સમજો. ટેબલ ટેનિસના દડા અર્થાત આપણા જીવનનો સૌથી મહત્ત્વનો ભાગ ઇશ્વર, આપણો પરિવાર, સંતાનો, મિત્રો, આપણું સ્વાસ્થ્ય અને આપણા મહત્ત્વના શોખ..આ બધું મળીને આપણું જીવન બને છે.

નાના કાંકરા અર્થાત તમારી નોકરી, તમારું કામ, કાર, મકાન વગેરે સગવડોનાં સાધનો…

રેતી અર્થાત જીવનની ક્ષુલ્લક બાબતો.. જેવી કે કોઇ સાથે મતભેદ થયો હોય, નાના નાના ઝગડા, નાની નાની એવી નજીવી વાતો..વગેરે વગેરે..

હવે જુઓ તમે બરણીમાં સૌ પ્રથમ રેતી ભરી હોત તો બરણીમાં દડાઓ કે કાંકરા માટે જગ્યા બચી શકત ખરી?

પહેલા કાંકરા ભર્યા હોત તો રેતી જરૂર સમાઇ શકત પણ જીવનનો સૌથી મહત્ત્વનો ભાગ એવા દડા માટે જગ્યા જ ન બચત.

આ જ તો જીવનનું સત્ય છે.

આપણે નાની નાની ક્ષુલ્લક વાતોની પાછળ પડ્યા રહીશું અને એમાં જ આપણી બધી શક્તિ વાપરી નાખીશું તો જીવનની મુખ્ય વાતો માટે આપણી પાસે સમય જ નહીં બચે.

મનની શાંતિ માટે જરૂરી છે કે તમારા પરિવાર માટે સમય કાઢો. તમારાં બાળકો સાથે રમો. જીવનમાં કોને પ્રાથમિકતા આપવી, સૌથી અગત્યની વાત જીવન માટે કઇ છે તે શાંતિથી બેસીને નક્કી કરો.

અને જીવન આપણને ગમે તેટલું પરિપૂર્ણ અને સુખી લાગે તો પણ તમારા ખાસ મિત્ર સાથે ચા પીવાની જગ્યા, સમય હમેશા હોવો જોઇએ.

જીવનમાં મિત્ર અને મિત્રતાનું સ્થાન અણમોલ  છે.

બે મિત્રો.. એકવાર રેતાળ  વિસ્તારમાંથી  પસાર થતા હતા. કોઇ વાતે બને વચ્ચ  ઉગ્ર બોલાચાલી થઇ ગઇ. તેથી  એક મિત્રે ઉશ્કેરાઇને બીજા મિત્રને થપ્પડ મારી દીધી.

બીજા મિત્રે એ વાત રેતી પર લખી કે આજે મિત્રએ મને થપ્પડ મારી.

બંને મિત્ર આગળ ચાલતા રહ્યા.

આ પણ વાંચોઃ ભવિષ્યની અદ્રશ્ય દીવાલ: શું તમે ખરેખર સુરક્ષિત છો?

ત્યાં  રસ્તામાં એક નદી આવી. એ પાર કરવા જતા બીજા મિત્રનો પગ લપસ્યો અને એ ઉંડા પાણીમાં ડૂબવા લાગ્યો. અગાઉ જેણે થપ્પડ મારી હતી એ મિત્રએ પાણીમાં  ડૂબતા મિત્રને બચાવી લીધો.

કિનારે આવીને બચી ગયેલા મિત્રે એક પથ્થર પર લખ્યું, આજે મારા મિત્રએ મારો જીવ બચાવ્યો.

થપ્પડ ખાધી ત્યારે એણે એ વાત રેતી પર લખી જેથી સમયના વહેણની સાથે એ ઊડી જાય અને મનમાંથી એ ભૂંસાઇ જાય.

જ્યારે સારું કામ કર્યું ત્યારે પથ્થર પર લખ્યું જેથી હંમેશ માટે સચવાઇ રહે.

ફક્ત મિત્ર માટે જ નહીં કોઇપણ સંબંધ માટે આ યાદ રાખી શકીએ તો?

કોઇ ઉપકાર કરે કે મદદ કરે એ હૃદયમાં અંકિત કરી રાખવામાં અને કડવી, અણગમતી વાતને ભૂલી જવામાં જ જીવન સાફલ્ય છે.

નીલમ દોશી
નીલમ દોશી
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code