1. Home
  2. ગુજરાતી
  3. REVOઈમેગેઝિન
  4. જીવનઝરૂખો: છોડીએ લાલસા સામા કાંઠાના સુખની…
જીવનઝરૂખો: છોડીએ લાલસા સામા કાંઠાના સુખની…

જીવનઝરૂખો: છોડીએ લાલસા સામા કાંઠાના સુખની…

0
Social Share

નીલમ દોશી

નીલમ દોશી

Life’s reflections સુખ એટલે શું? એ કેવી રીતે મળી શકે? કયાંથી મળી શકે? કોને મળી શકે? કેટલું મળી શકે?

આ બધા પ્રશ્નોનોના જવાબ દરેક  વ્યક્તિ  માટે અલગ હોઇ શકે..કેમ કે   પોતપોતાના સુખની વિભાવના  દરેકની અલગ હોવાની.

આ સાથે એક જાણીતી વાત  યાદ આવે છે.

એક દિવસ છગન  નદીકાંઠે બેઠો હતો. ત્યાં સામે કાંઠેથી  તેના મિત્ર મગને બૂમ પાડી.

અરે, મારે પણ સામે કાંઠે આવવું છે. હું કેવી રીતે આવી શકું?

છગને કહ્યું, તું સામે કાંઠે જ તો છો..અહીં આવવાની શી જરૂર છે?

 મગને કહ્યું. ‘ના..તું જ્યાં ઊભો છો એ સામો કાંઠો વધારે સરસ દેખાય છે. ‘

હકીકતે બંને કાંઠા સરખા જ હતા.  કોઇ પણ કિનારેથી નદી સરખી જ વહેતી દેખાતી  હતી.

જીવનમાં આપણે સૌ આવા કોઇ સામેના કાંઠા પર પહોંચવા ઉત્સુક નથી હોતા? આપણી પાસે શું છે  એ જોવાને બદલે સામેની વ્યક્તિ પાસે શું છે અને એ કેવી રીતે મેળવી શકાય એના પર આપણું ધ્યાન વધારે કેન્દ્રિત હોય છે. પરિણામે આપણી પાસે જે હોય છે એનો આનંદ પણ ગુમાવી બેસીએ છીએ. જે છે તેને છોડીને જે નથી એની પળૉજણમાં ઘણીવાર  જિંદગી આખી પસાર થઇ જતી હોય છે. અને આપણા હાથ ખાલી જ રહી જાય છે. કે પછી ઘણી વખત હાથમાં જે હોય તે પણ ગુમાવી બેસીએ છીએ.

માણસ એક નોકરી કરતો હોય તો એને બીજાની વધારે  નોકરી સારી લાગે. પોતાની થાળીના લાડુ કરતાં સામા કાંઠે બેઠેલા માણસની થાળીમાં મોટો લાડુ હોવાની લાગણી થયા કરે. બીજાની પત્ની કે પડોશણનો પતિ વધુ સદગુણી લાગતા હોય છે.    સામાન્ય રીતે  માણસ પોતાની વર્તમાન પરિસ્થિતિથી અસંતુષ્ટ જ રહેતો હોય છે.

જેમ કે, એક વાર મેડિકલ કોલેજમાં એડમશિન મળી જાય તો પછી જલસા,  દીકરી પરણી જાય પછી ભાર હળવો થશે… મારો પગાર વધી જાય પછી મને કોઈ ફરિયાદ નહીં રહે… પણ એવું થતું નથી. વાસ્તવમાં પગાર વધ્યાના થોડા જ સમયમાં મન નવા પગારથી ટેવાઈને નવો પગારવધારો કે વધારે સમૃધ્ધ  જીવનની લાલસામાં ડૂબી જતું હોય છે. મનની ઇચ્છાઓને કોઇ આરો કે ઓવારો નથી હોતા.  એક પછી એક ઇચ્છાઓ દરિયાના મોજાની જેમ ઠલવાતી રહે છે.  સુખનું પતંગિયુ ઉડતું રહે છે અને આપણે જંપ્યા વિના એની પાછળ દોડતા રહીએ છીએ..આપણી પાસે બાઇક હોય ..આપણે એનાથી ખુશ હોઇએ.. પણ જો આપણા પડોશી પાસે કાર આવી  તો આપણી બાઇકનો  આનંદ  ઝૂંટવાઇ જાય છે. આપણું સુખ અદ્રશ્ય થઇ જાય છે. કેમકે આપણા સુખનો આધાર સામા કાંઠાના સુખ પર રહેલો  છે.

કોઇએ સુખની વ્યાખ્યા આપતા કહ્યું છે કે સુખ એટલે આપણી પોતાની પાસે જે ફૂલો છે એમાંથી ગજરો બનાવવાની કલા.. આમાં સુખ માટેની બે શરત છે. એક તો આપણી પોતાની પાસે જે ફૂલો હોય તે જ વાપરવાની વાત અને બીજું એ જ ફૂલમાંથી ગજરો બનાવતા પણ આપણને આવડવું જોઇએ..એ કલા જો આવડી જાય તો સુખ કદી ગેરહાજર ન રહે.

આ પણ વાંચોઃ આદિ શંકરાચાર્યના સમગ્ર કર્તૃત્વને ગુજરાતીમાં ઉતારવાનું ભગીરથ કાર્ય પૂર્ણ, હવે 15 ગ્રંથ ઉપલબ્ધ

પગાર વધે, પ્રમોશન થાય, નવાં-નવાં સાહસો ખેડીએ…ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રવૃત્તિશીલ રહીએ આ બધી વાતો સામે કોઈ વાંધો ન હોઈ શકે, સવાલ ફક્ત એટલો જ છે કે સુખી થવાનું કાલ પર શા માટે મુલતવી રાખવું? આજની પરિસ્થિતિ સામે નકરી ફરિયાદો શા માટે? જ્યારે જુઓ ત્યારે સામા કાંઠે પહોંચવાનો રઘવાટ શા માટે? સૌથી મહત્ત્વની વાત એ છે કે સામા કાંઠે પહોંચવાના ધખારાને લીધે છેવટે થાય છે એવું કે આપણે અત્યારે જે કાંઠે નિરાંતે બેઠા છીએ ત્યાંથી દેખાતું સુંદર દ્રશ્ય નથી માણી શકતા, સરસ મજાની હવા વહી રહી છે તેનો આનંદ લૂંટી નથી શકતા. આપણને બસ, સામો કાંઠો જ દેખાય છે. આપણને બસ, ત્યાં જ પહોંચવું છે. આ તે કેવી મૂર્ખામી? જે છે તેનો આનંદ અપણે કેમ પામી નથી શકતા?

જે નથી તેનો અફસોસ કરવાને બદલે જે છે તેનો આનંદ માણતા આપણે ક્યારે શીખીશું? અન્ય પાસે શું છે એ તરફથી દ્રષ્ટિ ખસેડીને આપણી પાસે જે છે તેને માણીશું તો સુખ કદી ગેરહાજર નહીં લાગે. સો દુખની વચ્ચે  પણ આછેરા સુખની એકાદ લકીર જરૂર દેખાશે જો એ તરફ જોઇ શકીએ તો..

આ પણ વાંચોઃ પુસ્તકોની દુનિયાઃ મુક્તિ વૃત્તાંત –  બહુ ઓછી આત્મકથાઓમાં આવી હિંમત હોય છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code