
લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કાના મતદાન પહેલાં PM મોદીએ BJPના ઉમેદવારોને પત્ર લખ્યા
નવી દિલ્હીઃ દેશમાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે અને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં બે તબક્કામાં મતદાન યોજાયું છે. હવે ત્રીજા તબક્કાનું મતદાન 7મી મેના રોજ થશે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા પહેલાં ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાર્ટીના ઉમેદવારોને પત્ર લખ્યો છે. પીએમ મોદીએ અમિત શાહ, શિવરાજ સિંહ ચૌહાણ સહિત ઘણા ઉમેદવારોને પત્ર લખ્યા છે. પીએમ મોદીએ પત્ર લખી ભાજપના ઉમેદવારોને જીત માટે આશીર્વાદ આપવાનો પ્રયાસ કર્યો હતો. દેશની 543 લોકસભા સીટો માટે 19 એપ્રિલથી 1 જૂન વચ્ચે સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. 4 જૂને મતગણતરી થશે અને તે જ દિવસે બપોર સુધીમાં પરિણામ પણ જાહેર થશે. હાલમાં સાત તબક્કાની લોકસભા ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂર્ણ થયા છે.
ત્રીજા તબક્કાનું મતદાન દેશનાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 95 સીટો પર 7 મેના રોજ થશે. ત્રીજા તબક્કામાં જે બેઠકો પર મતદાન થશે તેમાં આસામની ચાર, બિહારની 5, છત્તીસગઢની 7, ગોવામાં તમામ બે, ગુજરાતમાં તમામ 26, કર્ણાટકની 14, મધ્યપ્રદેશની 8 બેઠકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળની ચાર બેઠકો, દાદરા અને નગર હવેલી અને દમણ દીવની તમામ બે બેઠકો અને જમ્મુ અને કાશ્મીરની એક-એક બેઠક પર મતદાન થશે. આ સિવાય ચૂંટણી પંચે મધ્યપ્રદેશની બેતુલ લોકસભા સીટ પર ત્રીજા તબક્કાનું મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે. વાસ્તવમાં આ સીટ પર ચૂંટણી લડી રહેલા એક ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત થયું હતું.