
લોકસભા ચૂંટણીઃ ચોથા તબક્કાના મતદાન માટેના પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને લઇને ચોથા તબક્કાના મતદાન માટે આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થઇ જશે. મહત્વનું છે કે 13મેના રોજ ચોથા તબક્કાનું મતદાન થશે. 10 રાજ્યોની 96 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની 25, ઉત્તર પ્રદેશની 13, તેલંગાણાની 17, મહારાષ્ટ્રની 11, મધ્યપ્રદેશની 8, પશ્ચિમ બંગાળની 8, બિહાર 5, ઝારખંડ અને ઓડિશાની ચાર ચાર બેઠકો તથા જમ્મુ- કાશ્મીરની એક બેઠક પર ચૂંટણી થવાની છે.
દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે લોકસભાની ચૂંટણીમાં સાત તબક્કામાં મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી 3 તબક્કામાં અત્યાર સુધીમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે. ત્રણ તબક્કામાં અત્યાર સુધીમાં સરેરાશ 65 ટકા જેટલુ મતદાન થયું છે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપમાંથી પ્રચાર-પ્રસારની જવાબદારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉઠાવી લીધી છે અને તેઓ સમગ્ર દેશમાં ચૂંટણી સભાઓ ગજવી રહ્યાં છે. આ ઉપરાંત ભાજપના નેતાઓ પણ પ્રચાર કરી રહ્યાં છે.બીજી તરફ વિપક્ષ પણ ભાજપને સત્તાથી દૂર રાખવા માટે પ્રચાર કરી રહ્યું છે.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સમગ્ર દેશનો પ્રવાસ કરીને કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યાં છે. ચોથા તબક્કામાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તેમજ મતદાન કેન્દ્રો ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.