1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં ચટાકેદાર ઊંધિયું લેવા દુકાનો પર લાંબી લાઈનો લાગી, રેકર્ડબ્રેક વેચાણથી વેપારીઓ ખૂશ
સુરતમાં ચટાકેદાર ઊંધિયું લેવા દુકાનો પર લાંબી લાઈનો લાગી, રેકર્ડબ્રેક વેચાણથી વેપારીઓ ખૂશ

સુરતમાં ચટાકેદાર ઊંધિયું લેવા દુકાનો પર લાંબી લાઈનો લાગી, રેકર્ડબ્રેક વેચાણથી વેપારીઓ ખૂશ

0
Social Share

સુરતઃ ગુજરાતીઓ વાર-તહેવારે અવનવી વાનગીઓ બનાવીને ખાવાના ભારે શોખિન હોય છે. જેમાં ઉત્તરાણના પર્વે ઘેર- ઘેર ઊંધિયું બનાવવામાં આવતું હોય છે. મહાનગરોમાં તો ચટાકેદાર ઊંધિયું ખરીદવા લાંબી લાઈનો જોવા મળતી હોય છે. જેમાં સુરતી ઊંધિયું અને ઘૂઘરાની માગ પણ વધુ રહેતી હોય છે. સુરત શહેરમાં કોઈપણ તહેવાર હોય પરંતુ સુરતીઓ ખાણીપીણી માટે કોઈ કસર રાખતા નથી.  શનિવારે ઉત્તરાણના દિને વહેલી સવારથી ઉંધિયા માટે દુકાનો પર લાઈનો લાગી ગઈ હતી.  સાથે જ ફરસાણની દુકાનો પર લાઈનો જોવા મળી હતી. કહેવાય છે કે, આ વર્ષે સુરતીઓએ કરોડો રૂપિયાનું ઊંધિયું ઝાપટી ગયા હતા.

સુરતમાં વહેલી સવારથી ઉતરાયણનો માહોલ જોવા મળ્યો હતો. લોકોમાં ઉતરાયણના દિવસે ઊંધિયું ખાવાનો રિવાજ છે. જેમાં સુરતી ઊંધિયું વહેલી સવારે ચાર વાગ્યાથી જ સુરતની અલગ અલગ હોટલોમાં ઉંધિયાનું વેચાણ શરૂ થઈ જાય છે. શહેરમાં લોકો વહેલી સવારે જ ઊંધિયું ખરીદવા માટે પડાપડી કરતા હોય છે. સ્વાદિષ્ટ ઊંધિયું ખાવા માટે લોકો વહેલી સવારથી જ પોતાની મનગમતી હોટલ ઉપર પહોંચી ગયા હતા. અલગ અલગ વિસ્તારોમાં આવેલી દુકાનો ઉપર સુરતીઓ ઊંધિયું ખરીદવા માટે કતારમાં ઊભા રહી ગયા હતા.

સુરત શહેરમાં પતંગ રસિયાઓએ પોતાના ઘરે ટેરેસ ઉપર જઈને પતંગ ઉડાવ્યા હતા. પરિવાર સાથે જ ભોજન કરીને ઉત્તરાણની મોજ મહાણી હતી. શહેરના દરેક ઘરમાં સ્વાદિષ્ટ ઊંધિયું ખાવાનું લોકો ચૂક્યા નહતા. તમામ ઘરોમાં ઉતરાયણના જમવાના મેનુમાં  ઊંધિયું અચૂક હોય જ. ઉતરાયણ સમયે શિયાળાનો માહોલ હોવાને કારણે ઊંધિયું ખાવાની મજા જ કંઈક અલગ આવે છે. ચૌટા બજારમાં વહેલી સવારથી જ ઊંધિયું ખરીદવા લોકોની ભીડ જોવા મળી હતી.

સુરતના શહેરીજનોના કહેવા મુજબ સુરત એવું શહેર છે કે જેમાં દરેક તહેવારોને ધ્યાનમાં રાખીને અલગ જ વાનગી આરોગવામાં આવે છે, જેમ કે ચંદની પડવો હોય ત્યારે સુરતમાં સ્પેશિયલ સ્વાદિષ્ટ મીઠાઈ ઘારી તૈયાર કરવામાં આવે છે. ઘારી પણ આખા વિશ્વમાં માત્રને માત્ર સુરત શહેરમાં જ તૈયાર થાય છે. તેવી જ રીતે દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાનો રિવાજ છે. ત્યારબાદ ઉત્તરાયણમાં સુરત શહેરમાં સ્પેશિયલ આરોગવામાં આવતું ઊંધિયું છે. ઉતરાયણના દિવસે સુરત સહિત ગુજરાતભરમાં ઉંધિયાનું વેચાણ ખૂબ મોટા પાયે થતું હોય છે. ઊંધિયું બનાવવા માટેની જે શાકભાજી હોય છે તે શિયાળાના સમય દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં મળતી હોય છે તેથી આ દિવસો દરમિયાન ઊંધિયું ખાવાનું લોકો વધુ પસંદ કરે છે. માત્ર ઉતરાયણના દિવસે જ નહીં પરંતુ હવે તો બારે મહિના ઊંધિયું મળે છે લોકો લગ્નસરા પણ ઊંધિયું બનાવવાનું પસંદ કરે છે. સુરતમાં ઉત્તરાયણે એક જ દિવસમાં સુરતીઓ 25થી 30 કરોડનું ઊંધિયું ઝાપટી જતા હોય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code