
દિવાળીના તહેવારોમાં મોટાભાગના પરપ્રાંતિઓ પોતાના વતન જતા હોય છે. દિવાળીના તહેવારોને હવે દોઢ મહિના જેટલો સમય બાકી છે. ત્યારે કેટલીક ટ્રેનોમાં બુકિંગ હાઉસફુલ થઈ ગયું છે. દિવાળી, છઠ અને લગ્નસરાની સિઝનને લીધે ટ્રેનોમાં અત્યારથી જ લાંબુ વેઇટિંગ લિસ્ટ છે. ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી આખા નવેમ્બર મહિના દરમિયાન ઉત્તર ભારત જતી ટ્રેનોમાં ટિકિટ કન્ફર્મ કરવી મુશ્કેલ બની ગઈ છે. સુરત -છપરા અને ઉધના-દાનાપૂર તેમજ સુરત-ભાગલપુર સહિતની ટ્રેનોમાં હાઉસફૂલના પાટિયા ઝૂલી રહ્યા છે. રેલવે દ્વારા ઓક્ટોબર અને નવેમ્બરમાં ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેનો શરુ કરવી પડે અને રેલવે દ્વારા ટ્રેનોના ફેરા વધારવા પડે તો નવાઈ નહિ. સામાન્ય રીતે રેલવે દ્વારા દિવાળી પર કેટલીક વિશેષ ટ્રેનો દોડાવવામાં આવે છે.
ગુજરાતમાં પરપ્રાંતી શ્રમિકોની સંખ્યા વધુ છે. દિવાળીના તહેવારો પર મોટાભાગના પરિવારો પોતાના માદરે વતન જતાં હોય છે. તેથી હાલ ટ્રેનોમાં બુકિંગ કરાવી રહ્યા છે. આ વર્ષે છઠ્ઠ અને દિવાળી ઉપરાંત મોટી સંખ્યામાં લગ્નો પણ યોજવાના હોવાને લીધે મુસાફરોની સંખ્યા વધુ રહેશે. કોરોનાને લીધે લગ્ન પ્રસંગ પર બ્રેક લાગી ગઈ હતી પણ હવે ફરી નવેમ્બર મહિનામાં મોટી સંખ્યામાં લગ્નો યોજાશે જેને લીધે પણ મુસાફરોની સંખ્યા વધી જશે. પૂર્વોત્તર રેલવેના ઓનરીહર અને ડોભી સ્ટેશનો વચ્ચે બિન ઇન્ટરલોકિંગ થવાના કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોનું ડાયવર્ઝન કરવામાં આવશે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીના જણાવ્યા પ્રમાણે છપરા-સુરત સ્પેશિયલ ટ્રેન ઓનરીહર-જૌનપુર-વારાણસીને બદલે આઉન્રિહર-વારાણસી-પ્રયાગરાજ છેવકી થઈને દોડશે. ગાઝીપુર સિટી-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન ઓરિહાર-વારાણસી શહેર-વારાણસી-જોનપુર થઈને દોડશે.
સુરતથી ઉત્તરભારત તરફ જતી ટ્રેનોમાં લાંબું વેઇટિંગ લિસ્ટ છે ત્યારે સુરત એરપોર્ટથી ઉત્તર અને દક્ષિણ ભારત તરફ જતી ફ્લાઇટનાં ભાડાં પણ વધી ગયાં છે. ખાસ કરીને ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં હાલનાં ભાડાં કરતાં દોઢ ગણાં ભાડાં છે. સુરતથી દિલ્હી, સુરતથી પટના, સુરતથી હૈદરાબાદ, સુરતથી કોલકાતા અને સુરતથી ભૂવનેશ્વર અને જયપુર જેવા શહેરો માટે હવાઈ મુસાફરોએ 5000થી 8000 રૂપિયા સુધીનું ભાડું ચૂકવવા તૈયાર રહેવું પડશે એવી સ્થિતિ બની રહી છે.