
પ.બંગાળમાં ISISના બે આતંકવાદીના કેસમાં મધ્યપ્રદેશનું કનેકશન સામે આવ્યું, વધુ એકની ધરપકડ
નવી દિલ્હીઃ કોલકાતામાંથી આઈએસઆઈએસ સાથે જોડાયેલા બે આરોપીઓની પોલીસે ધરપકડ કરીને પૂછપરછ કરતા તપાસનો રેલો મધ્યપ્રદેશ સુધી પહોંચ્યો હતો. બંગાળ પોલીસે મધ્યપ્રદેશમાંથી પણ આઈએસઆઈએસના વધુ એક આતંકવાદીની ધરપકડ કરી હતી. કોલકતામાંથી પકડાયેલા બંને આરોપીઓ યુવાનોને ગેરમાર્ગે દોરીને આતંકવાદી પ્રવૃતિમાં સામેલ કરતા હતા એટલું જ નહીં તેમણે હથિયાર પણ સપ્લાય કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસની તપાસમાં હજુ ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર કોલકાતા STFએ મધ્યપ્રદેશના ખંડવામાંથી ISISના એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી છે. તેની ઓળખ 33 વર્ષીય અબ્દુલ રકીબ કુરેશી તરીકે થઈ છે. અગાઉ 6 જાન્યુઆરીએ STFએ પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાંથી મોહમ્મદ સદ્દામ (28 વર્ષ) અને સઈદ અહેમદ (30 વર્ષ)ની ધરપકડ કરી હતી. આ બંનેની ધરપકડ બાદ જ એક ટીમ મધ્યપ્રદેશ મોકલવામાં આવી હતી.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, હાવડામાંથી ધરપકડ કરાયેલા બંને શકમંદોએ કુરેશીનું નામ આપ્યું હતું. કુરેશી પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI)નો કાર્યકર પણ રહી ચૂક્યો છે. તેની પાસેથી એક મોબાઈલ ફોન, પેન ડ્રાઈવ અને કેટલાક દસ્તાવેજો મળી આવ્યા છે. તેને કોલકાતા લાવવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સદ્દામ એમટેક છે અને ગુરુગ્રામમાં જ એક સોફ્ટવેર કંપનીમાં કામ કરે છે. જ્યારે અહેમદ તેના પિતાની કંપનીમાં કામ કરે છે. બંને સામે સરકાર વિરુદ્ધ યુદ્ધ ભડકાવવા અને યુદ્ધ માટે હથિયારોનો સંગ્રહ કરવા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સદ્દામ અને અહેમદ બંને પોલીસ કસ્ટડીમાં છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને આરોપીઓ યુવાનોને ગેરમાર્ગે દોરતા હતા અને પછી તેમને વિસ્ફોટકો અને હથિયારો પૂરા પાડતા હતા.
પોલીસે જણાવ્યું કે બંનેના ઠેકાણાઓ પરથી અનેક શંકાસ્પદ વસ્તુઓ પણ મળી આવી છે. તેમાં ઘણા લેપટોપ, મોબાઈલ ફોન, હાર્ડ ડ્રાઈવ, પેન ડ્રાઈવ, નોટબુક, ડેબિટ કાર્ડ અને ટુ-વ્હીલરનો સમાવેશ થાય છે. આ સિવાય તેમની પાસેથી જેહાદી સાહિત્ય, જેહાદી ચેનલોના નામ અને કેટલીક કંપનીઓ સાથે સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું કે સદ્દામે પણ ISIS પ્રત્યે વફાદાર રહેવાના શપથ લીધા હતા. તેની એક ડાયરી મળી આવી છે જેમાં બયત એટલે કે સોગંદ લખવામાં આવ્યા હતા.