બાળકોના સોશિયલ મીડિયા વપરાશ પર પ્રતિબંધ મૂકવા મદ્રાસ હાઈકોર્ટનું કેન્દ્રને સૂચન
ચેન્નાઈ, 26 ડિસેમ્બર 2025: બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને ઓનલાઈન સુરક્ષાને ધ્યાનમાં રાખીને મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે એક સીમાચિહ્નરૂપ ટિપ્પણી કરી છે. કોર્ટે જણાવ્યું છે કે, ભારત સરકાર પણ ઓસ્ટ્રેલિયાના કાયદાની જેમ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના ઉપયોગને નિયંત્રિત કરવા માટે કાયદો બનાવવાનું વિચારે.
જસ્ટિસ જી. જયચંદ્રન અને જસ્ટિસ કે. કે. રામકૃષ્ણનની ખંડપીઠે એસ. વિજયકુમાર નામના અરજદારની જાહેર હિતની અરજી પર સુનાવણી કરતા આ અવલોકન કર્યું હતું. અરજદારે દલીલ કરી હતી કે ઓસ્ટ્રેલિયા 10 ડિસેમ્બર 2025ના રોજ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ભારતમાં પણ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા પ્લેટફોર્મ પર બાળકોને હાનિકારક કન્ટેન્ટથી બચાવવા આવો કાયદો જરૂરી છે.
હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, જ્યાં સુધી નવો કાયદો અમલમાં ન આવે ત્યાં સુધી રાષ્ટ્રીય અને રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે બાળકોને ઈન્ટરનેટના સુરક્ષિત ઉપયોગ વિશે જાગૃત કરવા માટે તાત્કાલિક ‘એક્શન પ્લાન’ તૈયાર કરવો જોઈએ. ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને ‘પેરેંટલ વિન્ડો સર્વિસ’ પૂરી પાડવા માટે પણ નિર્દેશ આપવા પર વિચાર કરવામાં આવ્યો છે. નાના બાળકો સોશિયલ મીડિયા પર અશ્લીલ અને હિંસક કન્ટેન્ટના સંપર્કમાં આવવાથી તેમની માનસિકતા પર ગંભીર અસર પડી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર ઓસ્ટ્રેલિયા જ નહીં, પરંતુ યુરોપિયન યુનિયન પણ તેના 27 સભ્ય દેશોમાં બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સપ્ટેમ્બર 2025માં યુરોપિયન યુનિયનના વડાએ પણ આ બાબતે સ્પષ્ટ સંકેત આપ્યા હતા.
અરજદારના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે હાલમાં ઈન્ટરનેટ પર અશ્લીલ સામગ્રી સરળતાથી ઉપલબ્ધ છે, જે કિશોરોમાં અપરાધ અને માનસિક વિકૃતિઓ વધારી રહી છે. આ અરજી પર હવે કેન્દ્ર સરકારનો શું પ્રતિભાવ રહે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં હિંદુ યુવકને જીવતો સળગાવવાની ઘટનાથી જાહ્નવી કપૂર લાલઘૂમ


