
ભરૂચઃ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ATM તોડતી આંતરરાજ્ય ગેન્ગના પાંચ શખસોને દબોચી લઈને બે કાર, રોકડા રૂપિયા 10 હજાર, એક રાઉટર, 6 મોબાઇલ, 4 ફાસ્ટેગ સહિત કુલ રૂ. 20.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ATM તોડતી ગેન્ગે વાગરામાં HDFC બેન્કનું ATM તોડ્યુ હતું તેમજ મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે પણ એસબીઆઇનું ATM તોડી રૂ.20 લાખની માતબર રકમની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. હરિયાણાના મેવાતી ગેન્ગના સાગરિતો ગુજરાતમાં અનિલ કાઠી ગેન્ગના સંપર્કમાં આવ્યા બાદ બન્ને ગેન્ગના સાગરિતો ભેગા મળીને સિક્યુરિટી ન હોય એવા ATMની રેકી કરીને તેને તોડવાનો પ્લાન બનાવતા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભરૂચ જિલ્લાના વાગરામાં થયેલા ATM ચોરી કેસનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે પાંચ શખ્સોને બે કાર અને ATM તોડવા માટે ઉપયોગમાં લેવાયેલા હથિયારો સાથે દબોચી લીધા છે. જ્યારે આ મામલે મેવાતી ગેંગના સાત લોકોના નામ ખૂલતા તેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ભરૂચના અનિલ કાઠી ગેન્ગના આરોપીઓનો જેલવાસ દરમિયાન મેવાતી ગેંગના સાગરિતો સાથે સંપર્ક થયો હતો. બાદ ATM ચોરીના ગુનાને અંજામ આપવાનું કાવતરું ઘડ્યું હતું. જેલમાંથી છૂટ્યા બાદ આરોપીઓએ ભરૂચના વાગરા પાસેથી HDFC બેંકનું એટીએમ સ્કોર્પિયો કારમાં ઉઠાવી ગયા હતા અને પિસાદ ગામ પાસે ખેતરમાં ગેસ કટરથી મશીન કાપી રોકડ કાઢી લીધી હતી. આ ગેંગના સાગરિતોએ મહારાષ્ટ્રમાં પણ એક એટીએમમાંથી 20 લાખ રૂપિયાની ચોરી કરી હતી. આ ગુનામાં જે આરોપીઓના નામ સામે આવ્યા છે તેમાંના કેટલાક અનિલ કાઠી ગેંગ અને હરિયાણાના મેવાતની ગેંગના સાગરિતો હોવાનું પણ ખૂલ્યું છે.
પોલીસ સૂત્રોએ ઉમેર્યું હતું કે, 21 દિવસ પહેલા આરોપીઓએ વાગરામાં દહેજ પાસે આવેલાં જોલવા ગામે એક એટીએમને તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સાયરન વાગવા લાગતા આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. બાદ વાગરા ગામે આવેલાં રિલાયન્સ પેટ્રોલપંપ પાસે એચડીએફસીનું એટીએમ મશીનનું ગ્રાઉંટીંગ તોડી આખે આખું એટીએમ સ્કોર્પિયો કારમાં ઉઠાવી ગયા હતા અને પિસાદ ગામની સીમમાં ગેસ કટરથી એટીએમ કાપી રૂ.3.52 લાખની રોકડ લઇ રફૂચક્કર થઇ ગયા હતા. આ ઝડપાયેલાં આરોપીઓએ મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે પણ એસબીઆઇનું એટીએમ તોડી તેમાંથી પણ રૂ.20 લાખની માતબર રકમની ચોરી કરી હતી. આ ગુનાને અંજામ આપતા પહેલાં સલીમ ઉર્ફે મુસા તેમજ ઈમરાન ઉર્ફે રોનકે ભરૂચ બાયપાસ વિસ્તારમાં આવેલા ફાતિમા પાર્કમાં ભાડેથી મકાન રાખીને રહેતો હતો. અને મેવાતી ગેંગના સભ્યોને આશરો આપ્યો હતો.આ આરોપીઓ દિવસ દરમિયાન ભરૂચ શહેરમાં રેકી કરીને રાત્રીના આ મકાનમાં રોકાતા હોવાનું પણ જાણવા મળ્યું છે.આ અંગે મકાન માલિકે ભાડા કરાર કર્યું છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચલાવી છે.