બરવાળામાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ: એક શ્રમિકનું મોત, બે ગંભીર
અમદાવાદ, 21 માર્ચ 2026: બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આજે વહેલી સવારે એક કાળજું કંપાવનારી દુર્ઘટના સર્જાઈ છે. બેલા અને ટીંબલા ગામની વચ્ચે વાડી વિસ્તારમાં આવેલી ફટાકડા બનાવવાની એક ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ થતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ વિસ્ફોટમાં ફેક્ટરીના માલિક અને અન્ય એક શ્રમિક ગંભીર રીતે દાઝી જતાં તેમને અત્યંત નાજુક હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ફટાકડા બનાવવા માટેના કાચા માલ (રો-મટીરિયલ)થી ભરેલા એક રૂમમાં અચાનક કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. ફટાકડાના દારૂગોળાને કારણે આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને જોતજોતામાં એકાએક જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ધડાકાનો અવાજ દૂર-દૂરના ગામો સુધી સંભળાયો હતો, જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
વિસ્ફોટની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે ફેક્ટરીના શેડના પતરા અને લોખંડનો સામાન આશરે 100 મીટર દૂર ખેતરોમાં જઈને પડ્યા હતા. હૃદયદ્રાવક દ્રશ્યો તો ત્યારે જોવા મળ્યા જ્યારે વિસ્ફોટને કારણે ઈજાગ્રસ્તોના શરીરના અંગો પણ દૂર-દૂર સુધી વિખેરાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં એક પરપ્રાંતીય મજૂરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે ફેક્ટરી માલિક અને અન્ય એક વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે બોટાદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા જ બરવાળા પોલીસનો કાફલો અને ફાયર ફાઈટરો સ્થળ પર દોડી ગયા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ફેક્ટરી પાસે જરૂરી લાયસન્સ હતું કે નહીં અને સુરક્ષાના માપદંડોનું પાલન થતું હતું કે કેમ? તે દિશામાં પોલીસે એફએસએલની મદદ લઈ ઊંડી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ કોચીમાં ભાડાના ઘરમાંથી ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા


