- 15 હેકટર જમીન પર વર્ષોથી દબાણો ખડકાયેલા હતા,
- ત્રણ જિલ્લાની પોલીસ, રેન્જ આઈજી. કલેકટર સહિત અધિકારીઓ હાજર રહ્યા,
- 58 બુલડોઝર અને 70 ટ્રેક્ટર સાથે મોટી કાર્યવાહી, 135 લોકોની અટકાયત
સોમનાથઃ યાત્રાધામ સોમનાથમાં વર્ષોથી ગેરકાયદે દબાણો ખડકાયેલા છે. આથી ગાંધીનગરથી મળેલી સીધી સુચના બાદ ગેરકાયદે દબાણો હટાવવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને ત્રણ જિલ્લાની પોલીસ તેમજ રેન્જ આઈજી અને કલેકટર, એસપી સહિતના અધિકારીઓના બંદોબસ્ત સાથે દબાણો હટાવવા માટે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. અને લગભગ 102 એકર જમીનને ગેરકાયદે કબજાથી મુક્ત કરાવવામાં આવી હતી. આ દબાણોને તોડી પાડવા માટે 58 બુલડોઝર અને 70 ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો. હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ સોમનાથમાં 1950થી થયેલા દબાણોને હટાવીને 320 કરોડ રૂપિયાની કિંમતની 15 હેક્ટર જગ્યા ખુલ્લી કરાવવાના જિલ્લાના સૌથી મોટા ડિમોલિશન અંગે છેલ્લા 5 દિવસથી અત્યંત ખાનગી રાહે પ્લાન બનાવાયો હતો. અને યોજના મુજબ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. ખુલ્લી થયેલી સર્વે નંબર 1852 અને 1852 વાળી સરકારી જગ્યા પર સોમનાથ મંદિરના અલગ અલગ પ્રોજેક્ટ વિકસાવવાનું કામ થશે. સોમનાથમાં આટલા મોટા પ્રમાણમાં ડિમોલિશન કરવામાં તંત્ર માટે સૌથી મોટો પડકાર એ જ હતો કે, ખોટો વિવાદ ન થાય અને કોઈને ખબર પણ પડે એ પહેલા પ્લાન અમલમાં મૂકી દેવાનો હતો. આથી મધરાતે આઈજી, 3 એસપી, કલેકટર તંત્ર અને અલગ અલગ 20 ટીમો, સાધન સામગ્રી સાથે 3 જિલ્લાના મળીને 1,400 પોલીસ પણ ઉતારવામાં આવ્યા હતા.
સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં ત્રણ ત્રણ જિલ્લાની પોલીસ સામટી ઉતારી દઈ સૌથી મોટું ડિમોલિશન પાર પાડીને 320 કરોડ રૂપિયાની બજાર કિંમત ધરાવતી 15 હેક્ટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આ જમીન પર 9 મોટા ધાર્મિક દબાણો અને તેમાં 45 પાકા રૂમો બનાવી દેવાયા હતા. જોકે, દબાણો હટાવવાની હિલચાલ શરૂ થતાની સાથે જ સેકડોની સંખ્યામાં ટોળા મધરાતે જ રસ્તા પર ઉતરી આવતા પોલીસે સુલેહ અને શાંતિ જાળવવાના હેતુસર 135 લોકોની અટકાયત કરવી પડી હતી. મધરાતે 3 વાગે શરૂ થયેલું ડિમોલિશન શનિવારે રાત સુધી ચાલતું રહ્યું હતું. ડિમોલિશનની કામગીરી બે દિવસ સુધી ચાલશે તેમ માનવામાં આવી રહ્યું છે. સોમનાથમાં સુલેહ શાંતિનો ભંગ ન થાય એવા હેતુથી 4 વ્યક્તિને એકઠા થવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પ્રશાસનની આ કાર્યવાહીના પગલે સોમનાથમાં અજંપાભરી સ્થિતિ પ્રવર્તી રહી છે.