
આહવાઃ ગિરિમથક સાપુતારામાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદી માહોલને લીધે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. સાપુતારાની ગિરી કંદરાએ જાણે લીલી ચાદર ઓઢી હોય અને ખળખળ વહેતા ઝરણાઓથી અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મેઘ મલ્હાર પર્વનું આયોજન કરાયું છે. આજે રવિવારને 30મી જુલાઈથી એક મહિનો ચાલનારા મલ્હાર પર્વ પ્રવાસીઓ માટે એક સંભારણું બની રહેશે.
સાપુતારાના આંગણે ‘મેઘ મલ્હાર પર્વ’નો આજથી પ્રારંભ થશે. ચોમાસાની ભીની ભીની મૌસમમાં પ્રવાસીઓને અનેકવિધ કાર્યક્રમો માણવા મળશે. તારીખ ૩૦ જુલાઇથી ૩૦ ઓગસ્ટના એક મહિના સુધી આયોજિત ‘મેઘ મલ્હાર પર્વ’ નું આયોજન કરાયું છે. જેનું ઉદ્ઘાટન આજે પ્રવાસન મંત્રી મુળુ બેરા અને પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ આ મહોત્સવનો પ્રારંભ કરાવશે.
ગુજરાતમાં હાલ સાપુતારાની સુંદરતા સોળે કલાએ ખીલી ઉઠી છે. ગુજરાતના કાશ્મીર કહેવાતા આ હિલ સ્ટેશન પર હાલ ભગવાને છુટ્ટા હાથે સુંદરતા વેરી છે. ચોમાસું આવતા જ સાપુતારામાં અનોખો કૂદરતી નજારો જોવા મળે છે. ત્યારે ગુજરાત સરકાર પ્રવાસીઓને આકર્ષવા માટે ખાસ ઉત્સવનુ આયોજન કરે છે. ચોમાસામાં કુદરતી સૌંદર્યથી સોળે કળાએ ખીલેલા સાપુતારામાં આજે 30 જુલાઈથી મેઘ મલ્હાર ઉત્સવ શરૂ થશે. જે એક મહિના સુધી ચાલશે. પ્રવાસીઓ માટે આ ઉત્સવ ખાસ બની જતો હોય છે.
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત મેઘ મલ્હાર પર્વ-2023નું ઉદ્ઘાટન રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન પર્યાવરણ, અને કલાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુ બેરાના હસ્તે કરાશે. સતત એક માસ સુધી ચાલનારા ‘મેઘ મલ્હાર પર્વ-2023’ દરમિયાન સહેલાણીઓને ઉદ્ઘાટન સમારોહના ભાગરૂપે ઉદ્ઘાટન પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, રેઇન રન મેરેથોન સહિત શનિ-રવિની રજાઓમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો માણવાનો લ્હાવો મળશે. સાપુતારાના મેઘ મલ્હાર ઉત્સવનો આંનદ માણવા પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓને આમંત્રણ અપાયુ છે. મહિના સુધી ચાલનારા આ ઉત્સવમાં જોડાઈ સાપુતારાના નૈસર્ગિક સૌંદર્યની મજા માણવા પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે. (file photo)