![હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, વાવાઝોડું સમી ગયા પછી પણ કંઈક મોટું થશે](https://www.revoi.in/wp-content/uploads/2021/02/Rain.jpg)
ગાંધીનગરઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય નામનું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. સંભવિત આફત સામે તંત્રએ યુદ્ધના ધોરણે તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. સેના અને એનડીઆરએફના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાવાઝોડા અંગે આગાહી કરી છે કે, વાવઝોડું એટલું ઘાતક છે. કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે. રાજસ્થાન તથા ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાવાઝોડું વિનાશ વેરી શકે છે. વાવાઝોડાના અલગ-અલગ પડ હોય છે જેના કારણે પવનની ગતિમાં વધઘટ જોવા મળે છે. ભારે વરસાદ ગુજરાત તથા પાડોશી રાજ્યમાં થવાની આગાહી કરીને દેશના અડધા ભાગોમાં વાવાઝોડાની અસર થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, જ્યારે વાવાઝોડું નજીક આવશે ત્યારે તેનું ઉગ્ર સ્વરૂપ જોવા મળશે. વાવાઝોડું જ્યાં ટકરાશે ત્યાં તો 150-160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપનો પવન રહેશે. બિપોરજોય વાવાઝોડાની અસર ગુજરાતમાં છેલ્લા 50 વર્ષમાં સૌથી મોટી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ધૂળના તોફાનો, સાથે કડાકા-ભડાકા, આંધી સાથે વરસાદ વરસી શકે છે. રાજ્યના પશ્ચિમ કાંઠા પર વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળી શકે છે. તેમજ તેજ પવન સાથે વરસાદ ખાબકી શકે છે.
તેમણે ઉમેર્યું હતું કે, વાવાઝોડાની અસર માત્ર કચ્છ જ નહીં, સાથે રાજસ્થાન અને યુપી સુધી અસર થશે. લોકોના ઘરોમાં પૂરના પાણી ઘૂસશે. 150-160 કિ મીની ઝડપે વાવાઝોડાનો પવન ફૂંકાશે. ચારેબાજુ વાવાઝોડું કાળો કેર વર્તાવશે. ગુરૂવારે વાવાઝોડું નજીક આવશે ત્યારે તેનું ઉગ્ર સ્વરૂપ જોવા મળશે. વાવાઝોડું જે જગ્યા પર ટકરાશે ત્યાં 15, 16 અને 17 તારીખ દરમિયાન ભારે પવન જોવા મળશે. જેની અસર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને રાજસ્થાનના ભાગોમાં પણ જોવા મળશે.
અંબાલાલ પટેલના કહેવા મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. એટલું જ નહીં, ગુજરાતના તમામ ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 55-60 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. જેમાં કાચાં અને પતરાવાળા મકાનોને અસર થઈ શકે છે. માલધારીઓને પોતાના પશુઓને યોગ્ય જગ્યા પર રાખવાની સલાહ આપી રહ્યા છે. ગુજરાતનો દરિયો તોફાની બનશે અને ભારે કરંટ જોવા મળશે. એટલું જ નહીં, ભારે પવન ફૂંકાશે અને ઊંચા મોજા ઉછળશે. ભારે વરસાદની સ્થિતિ મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે. વાવાઝોડાની સૌથી વધારે અસર ઓખા, દ્વારકા, માંગરોળમાં વર્તાશે. તો વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વાવાઝોડાની અસર થશે. વાવાઝોડાને પગલે વલસાડ, નવસારીના ભાગોમાં અતિભારે વરસાદ પડશે. (file photo)