
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરમાં ચાલી રહેલો મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ ડિસેમ્બર-2022 પહેલા પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ફેઈઝ-1ની કામગીરી પણ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ સહિત રાજકિય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ કરી દીધી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટનું કામ ડિસેમ્બર-2022 પહેલા પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ તેનું લોકોર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે. વડાપ્રધાન મોદીના બે ડ્રીમ પ્રોજેક્ટ એવા અમદાવાદ મેટ્રો ટ્રેન અને મુંબઇ–અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પણ ઝડપથી પૂર્ણ કરવાનો નિર્ણય કર્યેા છે. આ બન્ને પ્રોજેક્ટમાં આવતી તમામ અડચણો દૂર કરી 2022ની વિધાનસભા ચૂંટણી સુધીમાં 2014થી ચાલતો મેટ્રોનો ફેઝ-1 તેમજ 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં બુલેટ ટ્રેનનો એક ફેઝ પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પેારેશને અમદાવાદ રેલવે સ્ટેશનના છેડે આવેલા સરસપુરમાં બુલેટ ટ્રેન માટે સ્ટેશન કમ કોરિડોરના બાંધકામ માટે કોન્ટ્રેક્ટ આપી દીધો છે. હવે સ્ટેશન તેમજ એલિવેટેડ કોરિડોરનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ–મુંબઈ બુલેટ ટ્રેન માટેનો કોરિડોર હાલના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 11 અને 12 પર રહેશે. આ સાથે સાબરમતી સ્ટેશનની પણ ડિઝાઇન મંજૂર કરવામાં આવી રહી હોવાનું કહેવાય છે.
આ ઉપરાંત કાલુપુર રેલવે સ્ટેશને અમદાવાદ મેટ્રોનું અંડરગ્રાઉન્ડ, હાલના રેલવે સ્ટેશનનું ગ્રાઉન્ડ લેવલ અને બુલેટ ટ્રેનનું એલિવેટેડ સ્ટેશન એકસાથે રહેશે, જ્યારે સાબરમતી ખાતે હાલનું રેલવે સ્ટેશન અને મેટ્રો એકસાથે હશે. આગામી 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભની ચૂંટણી પહેલાં અમદાવાદ મેટ્રો રેલના પ્રથમ તબક્કાને પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લાં 13 વર્ષથી વિલંબમાં પડેલા મેટ્રો પ્રોજેક્ટનું અમદાવાદના પૂર્વ–પશ્ચિમ અને ઉત્તર–દક્ષિણ કોરિડોરનું કામ ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં મેટ્રો ટ્રેનના ફેઝ-1માં 40.03 કિલોમીટરનું અંતર છે, જે બીજા ફેઝમાં ગાંધીનગર પહોંચશે ત્યારે વધુ 28.05 કિલોમીટરનો વિસ્તાર આવરી લેશે. મેટ્રોની જ્યારે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે 2006માં પ્રોજેકટ ખર્ચ 5000 કરોડ, 2014માં 9000 કરોડ અને હવે 12000 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.