મિઝોરમ ડ્રગ્સ કેસની તપાસ અમદાવાદ સુધી લંબાઈ, EDએ 35 લાખ રોકડ જપ્ત કરી
અમદાવાદ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મિઝોરમ ડ્રગ્સ કેસની તપાસ હવે અમદાવાદ સુધી પહોંચી છે. EDએ મિઝોરમ, આસામ અને ગુજરાતમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન અમદાવાદમાંથી 35 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આ રકમને પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ જપ્ત કરવામાં આવી છે. મિઝોરમમાંથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં કાચો માલ અમદાવાદ તથા ગુજરાતના વિવિધ સ્થળો ઉપરથી મોકલવામાં આવ્યાનું ખુલતા કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મિઝોરમમાં 6 વ્યક્તિઓ પાસેથી 1.41 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. આ કેસમાં મિઝોરમ પોલીસની સાથે ED પણ સમાંતર તપાસ ચલાવી રહી છે. EDની પ્રારંભિક તપાસમાં એક મોટો ખુલાસો થયો છે. ડ્રગ્સ બનાવવા માટેનો કાચો માલ
અમદાવાદ તથા ગુજરાતના અન્ય વિસ્તારોમાંથી મિઝોરમ મોકલવામાં આવતો હતો. આ માહિતી મળ્યા પછી EDએ ગુજરાતમાં ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી. ED હવે તપાસ કરી રહી છે કે, ગુજરાતમાંથી કાચા માલની સપ્લાયનું નેટવર્ક કઈ રીતે ચલાવવામાં આવે છે, તેમજ મની લોન્ડરિંગની કડીઓ ક્યાં–ક્યાં સુધી ફેલાયેલી છે. ઈડીની તપાસમાં હજુ ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ED અનુસાર, આ કાર્યવાહી ડ્રગ્સની હેરાફેરીથી થતા ગેરકાયદેસર નાણાંના સ્ત્રોતોને ખતમ કરવા માટે કરવામાં આવી છે.


