
અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર્શન માટે રોજબરોજ મોટી સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે. અને યાત્રિકો મંદિરમાંથી મોહનથાળ અને ચિક્કીનો પ્રસાદ લેતા હોય છે. એટલે મંદિરના પ્રસાદનું પણ મહાત્મ્ય છે. વર્ષે લગભગ 1 કરોડથી વધારે પ્રસાદનાં બોક્સનું અંબાજી ખાતે વેચાણ થાય છે. ત્યારે આજના આધુનિક યુગમાં માઈભકતો આ પ્રસાદ ઘર બેઠા મળી શકે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે. ફેબ્રુઆરીથી અંબાજી મંદિરનો મોહનથાળ અને ચીકીનો પ્રસાદ ઘરે બેઠા કુરિયરથી મંગાવી શકાશે.
બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર અને દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન વરુણ બરનવાલે જણાવ્યું હતું કે, હવેથી અંબાજી મંદિરના મોહનથાળ અને ચીકીના પ્રસાદ માટે ઓનલાઇન બુકીંગ શરુ કરાશે. પ્રવર્તમાન વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં આ ઓનલાઇન પ્રસાદ વ્યવસ્થા પ્રયાગિક ધોરણે શરુ કરાશે. યાત્રિકોએ પ્રસાદ માટે પ્રીપેડ પદ્ધતિથી ઓનલાઇન ચુકવણું કરવાનું રહેશે. ચાર દિવસમાં શ્રદ્ધાળુઓને પ્રસાદ ઘરે બેઠા મળી જશે. હાલમાં અંબાજી મંદિરની વેબસાઈટને અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરી રી-ડેવલોપ કરવામાં આવી છે. જેમાં અંબાજી મંદિરની વેબસાઈટ www.ambajitemple.in મારફત ઓનલાઈન પ્રસાદ મંગાવી શકાશે. યાત્રિકોએ પ્રિ-પેઈડ પદ્ધતિથી ઓનલાન ચુકવણું કરવાનું રહેશે. વેબસાઈટ મારફત પેમેન્ટ થયા બાદ પ્રસાદની ડીલીવરી કુરીયર દ્વારા મોકલવામાં આવશે. ઘેરબેઠા પ્રસાદ મેળવવા માટે માત્ર પ્રિ-પેઈડ સીસ્ટમ ઉપલબ્ધ કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં મંદિરનાં પ્રસાદ કેન્દ્ર ખાતે એક સ્ટોલ ખોલવામાં આવશે. જ્યાંથી પણ પ્રસાદની ઘરે ડીલીવરી કરવાનું બુકીંગ લેવામાં આવશે. પ્રાયોગિક ધોરણે મોહનથાળ પ્રસાદ તથા ચીકી પ્રસાદનું નીચે મજબ સમગ્ર ગુજરાતમાં ઓનલાઈન બુકીંગ શરૂ કરવામાં આવશે. (1) 80 ગ્રામનાં મોહનથાળનાં 5 પેકેટનાં ગુણાંકમાં (2) 200 ગ્રામ મોહનથાળનાં 2 પેકેટનાં ગુણાંકમાં (3) 100 ગ્રામનાં ચીકીનાં 4 પેકેટનાં ગુણાંકમાં ઓનલાઈન ઓર્ડર આપી શકાશે. હાલમાં, આ પ્રથા હંગામી રીતે પ્રાયોગીક ધોરણે શરૂ કરવામાં આવશે. જો યાત્રિકો તરફથી સારો પ્રતિભાવ મળશે તો દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કેલેન્ડર, પુસ્તકો, નોટબુકો, અગરબત્તી, પુજાકીટ વગેરે ચીજ વસ્તુઓનું પણ ઓનલાઈન વેચાણ શરૂ કરવામાં આવશે.