1. Home
  2. ગુજરાતી
  3. બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે હિન્દુઓ ઉપર 3 હજારથી વધારે હુમલા થયા, ભારત સરકારનો ખુલાસો
બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે હિન્દુઓ ઉપર 3 હજારથી વધારે હુમલા થયા, ભારત સરકારનો ખુલાસો

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે હિન્દુઓ ઉપર 3 હજારથી વધારે હુમલા થયા, ભારત સરકારનો ખુલાસો

0
Social Share

નવી દિલ્હી, 13 માર્ચ 2026: પાડોશી દેશ બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયો, ખાસ કરીને હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોને લઈને કેન્દ્ર સરકારે સંસદમાં ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં વિદેશ રાજ્ય મંત્રી પબિત્રા માર્ગેરીટાએ જણાવ્યું હતું કે, ઓગસ્ટ 2024 થી ફેબ્રુઆરી 2026 સુધીના માત્ર 18 મહિનાના ગાળામાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની આશરે 3,100 જેટલી ઘટનાઓ નોંધાઈ છે.

સરકારે માનવાધિકાર સંગઠનોના ડેટાનો હવાલો આપતા જણાવ્યું કે, આ ઘટનાઓમાં લઘુમતીઓના ઘર, દુકાનો, વેપારી સંસ્થાઓ અને સૌથી ચિંતાજનક રીતે તેમના ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે. તોડફોડ અને આગજની જેવી હિંસક પ્રવૃત્તિઓએ લઘુમતીઓમાં ભયનો માહોલ પેદા કર્યો છે.

સંસદમાં મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બાંગ્લાદેશના તમામ નાગરિકોની સુરક્ષાની પ્રાથમિક જવાબદારી ત્યાંની સરકારની છે. ભારત સરકારે આ મુદ્દો અનેકવાર દ્વિપક્ષીય મંત્રણાઓમાં બાંગ્લાદેશ સરકાર સમક્ષ ઉઠાવ્યો છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા ભારપૂર્વક જણાવ્યું છે. નવી દિલ્હી આ મામલે સતત ચાંપતી નજર રાખી રહ્યું છે.

બાંગ્લાદેશમાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે સરકારે જણાવ્યું કે, ઢાકામાં આવેલું ભારતીય મિશન સતત એલર્ટ પર છે. કોઈપણ કટોકટીના સમયે ભારતીય નાગરિકો માટે ચોવીસ કલાક કાર્યરત હેલ્પલાઇન ઉપલબ્ધ છે. ઢાકામાં ભારતીય દૂતાવાસમાં ખાસ કોન્સ્યુલર અધિકારી તૈનાત કરવામાં આવ્યા છે, જે ભારતીયોની ફરિયાદો સાંભળે છે. ભારતીય સમુદાયના લોકો સાથે નિયમિત સંવાદ કરવા માટે ‘ઓપન હાઉસ’ કાર્યક્રમો યોજવામાં આવે છે, જેથી તેમની સમસ્યાઓનું ત્વરિત નિવારણ લાવી શકાય.

ભારતે આશા વ્યક્ત કરી છે કે બાંગ્લાદેશ વહીવટીતંત્ર આ હિંસક ઘટનાઓની નિષ્પક્ષ તપાસ કરશે અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે કડક પગલાં લેશે, જેથી ભવિષ્યમાં આવી અમાનવીય ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

આ પણ વાંચોઃ આતંકવાદી સંગઠનોના નેતાઓ માટે કોઈ લાઈફ ઈન્સ્પોરકન્સ નથીઃ પીએમ નેતન્યાહૂ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code