
અમદાવાદઃ ગુજરાતમાં વધતી જતી મોંઘવારીમાં અનેક પરિવારો વ્યાજખોરોના ચક્રમાં ફસાયા છે. વ્યાજખોરોના ત્રાસને કારણે અનેક લોકો આપઘાત કરવા મજબુર બન્યા છે. ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે પગલાં લેવા આદેશ આપતા પોલીસ પણ વ્યાજખોરો સામે સક્રિય બની છે, અને જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા લોકદરબાર યોજીને લોકોએ કોઈપણ જાતનો ડર રાખ્યા વિના વ્યાજકોરો સામે ફરિયાદ કરવા આગળ આવવા અપિલ કરવામાં આવી રહી છે. અને તેથી ચેલ્લા 14 દિવસમાં 500થી વધુ ફરિયાદો નોંધાઈ છે. પોલીસે 468 વ્યાજખોરોની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વ્યાજખોરો સામે આક્રમક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પોલીસે દરેક મોટાં શહેર અને જિલ્લા – તાલુકા મથકોમાં લોક દરબાર યોજી કરજદારોને વ્યાજખોરોની કનડગત સામે ફરિયાદ નોંધાવવા માટે આહવાન કરતા બે સપ્તાહમાં જ 500થી વધુ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે. જ્યારે 643 લોકો સામે ગુના દાખલ થયા છે અને 468થી વધુ વ્યાજખોર શખસોની ધરપકડ કરવામાં આવી છે. સેંકડો લોકોએ વ્યાજખોરોના આતંક વિશે ભીની આંખે પોલીસને રજૂઆત કરી હતી. મોટાભાગની ફરિયાદોમાં જણાવાયું હતું કે કરજદારે નક્કી થયા મુજબ ઊંચું વ્યાજ અને મુદ્દલ રકમ ચૂકવી દીધા પછી પણ વ્યાજખોરોએ ઉઘરાણી ચાલુ રાખી હતી. આવા કેટલાક કિસ્સામાં પીડિતોએ આપઘાત કર્યા હોવાની, તેમની માલમિલકત પડાવી લેવાની વરવી વાસ્તવિકતા સામે આવી છે. અમુક કિસ્સામાં તગડું વ્યાજ ઉઘરાવાનારા બીજા કોઇ નહીં પરંતુ પોલીસના સાગરિતો કે રાજકારણીઓની સંડોવણી પણ બહાર આવી છે. કેટલાક પોલીસ અધિકારીઓ પણ માથાભારે શખસોને રૂપિયા આપીને તેમના દ્વારા વ્યાજવટાઉનો ઘિકતો ધંધો કરી રહ્યાની વિગતો મળતા ગૃહ વિભાગે પણ તપાસ શરૂ કરી છે.
અમદાવાદના ગોમતીપુરના યુવકની માતાને હાર્ટ એટેક આવતા દાખલ કરી હતી, જેથી તેણે બહેરામપુરાના વ્યાજખોર પાસેથી રૂ.1 લાખ પાંચ ટકાના વ્યાજે લીધા હતા. જેના બદલામાં વ્યાજખોરો યુવકનુ બેંકનું એટીએમ, પાસબુક, ચેક બુક મેળવી લીધી હતી. બાદમાં છેલ્લા ચાર વર્ષથી યુવકનો જે પણ પગાર આવે તે બારોબાર વ્યાજખોર મેળવી લેતો હતો. ચાર વર્ષમાં રૂ.4.50 લાખથી વધારે રૂપિયા મેળવ્યા છતાં પણ વધુ પૈસાની માંગણી કરીને ત્રાસ આપતો હતો. આ ઉપરાંત શહેરના આનંદનગરના યુવકે બે લાખ રૂપિયા 20 ટકા વ્યાજે લીધા હતા. ધીમે ધીમે કરીને કુલ 5 લાખ રૂપિયા વ્યાજખોરને ચૂકવી આપ્યા હોવા છતા વ્યાજખોર વધુ વ્યાજની માંગણી કરીને પરિવારને ઉઠાવી દેવાની ધમકી આપતો હતો. તંગ આવીને યુવકે જંતુનાશક દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આવા તો અનેક કિસ્સા પોલીસને ચોપડે નોંધાયા છે.