1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં 58 લાખથી વધુ લાભાર્થીઓએ PMJAY-MA હેઠળ નિ:શુલ્ક સારવાર લાભ લીધો
ગુજરાતમાં 58 લાખથી વધુ લાભાર્થીઓએ PMJAY-MA હેઠળ  નિ:શુલ્ક સારવાર લાભ લીધો

ગુજરાતમાં 58 લાખથી વધુ લાભાર્થીઓએ PMJAY-MA હેઠળ નિ:શુલ્ક સારવાર લાભ લીધો

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં આ યોજના અંતર્ગત 58 લાખથી વધુ દર્દીઓએ નિશુલ્ક સારવાર મેળવી છે પરિણામે, દર્દીઓની રૂ. 11,590  કરોડ રૂપિયાથી વધુની બચત થઈ છે. વિશ્વના સૌથી મોટા આરોગ્ય વીમા કવચ “પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના” PMJAY અને ગુજરાતની “મુખ્યમત્રી અમૃતમ” MA યોજનાનું સંકલન આજે ગુજરાતના ગરીબો અને મધ્યમવર્ગીય પરિવારોની ચિંતા દૂર કરીને આરોગ્ય સુખાકારીમાં વધારો કર્યો છે.  PMJAY-MA અંતર્ગત 2,495 એમ્પેનલ્ડ હોસ્પિટલોમાં કેશલેસ સારવાર પૂરી પાડવામાં આવે છે તેમ, આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સપ્ટેમ્બર 2021થી અત્યાર સુધીમાં 1,37  કરોડથી વધુ લાભાર્થીઓને નવા આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત PMJAY-MA યોજના હેઠળ સૌથી વધુ આયુષ્માન કાર્ડ બનાવવા માટે ભારત સરકાર તરફથી ગુજરાતને ‘આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2022’ પણ પ્રાપ્ત થયો છે.

તાજેતરમાં ભારત સરકાર તરફથી વર્ષ 2022-23  દરમિયાન ગુજરાતને બેસ્ટ પ્રેક્ટીસ માટે “આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર ૨૦૨૩” એવોર્ડ પણ એનાયત કરેલ છે. હાલમાં રાજ્યની  1,709  સરકારી,  768  ખાનગી અને ભારત સરકારની 18 એમ કુલ 2,495 હોસ્પિટલ સંલગ્ન છે.  જેમાં અંદાજીત દૈનિક 3,509 પ્રિ-ઓથ કેસ સારવાર માટે મુકવામાં આવે છે. આ યોજનાની અમલવારીમાં કોઇ પણ ગેરરીતિ ન થાય તે માટે ‘સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ’ (SAFU)ની રચના કરવામાં આવી છે જયારે આ યુનિટ દ્વારા હોસ્પિટલોનું સતત મોનીટરીંગ પણ કરવામાં આવે છે તેમ, વધુમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને પોસાય તેવી આરોગ્ય સારવાર મળે અને તબીબી સેવા પાછળ થતાં ખર્ચમાં ઘટાડો કરવા માટે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2012માં ‘મા અમૃતમ યોજનાનો પ્રારંભ કર્યો હતો. વર્ષ 2014માં આ યોજનાને વિસ્તારીને રૂ. 4 લાખની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને આ યોજના હેઠળ સામેલ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં આ યોજનાને મળેલ અભૂતપૂર્વ સફળતા બાદ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં રાષ્ટ્રસ્તરે ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના’ AB PMJAY સમગ્ર દેશમાં અમલી કર્યુ છે. જે વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના છે. આ યોજના હેઠળ સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો ઉપર મફત તબીબી સેવાઓ ઉપરાંત, ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો પણ ખાનગી હોસ્પિટલોમાં સ્વાસ્થ્ય સેવાઓનો લાભ મેળવી રહ્યા છે.

નોંધનીય છે કે, ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ સાથે ગુજરાત સરકારે વર્ષ 2019માં ‘મુખ્યમંત્રી અમૃતમ’ MA અને ‘મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય’ MAV યોજનાને સંકલિત કરી આ યોજનાઓના તમામ લાભાર્થીઓ “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-માં” આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત કુટુંબના દરેક સભ્યને વ્યક્તિગત “આયુષ્માન કાર્ડ” આપવામાં આવે છે. જેમાં નિયત માપદંડો ધરાવતા પરિવારોને નિયત ઓપરેશનો માટે રૂ. 10 લાખનું વિનામૂલ્યે આરોગ્યકવચ આપવામાં આવે છે. આ યોજનાની મદદથી લાભાર્થીઓ જરૂરિયાતના સમયે સામાન્ય બિમારીથી લઇને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, હૃદયની સારવાર, કેન્સર જેવી અતિગંભીર બિમારીઓ માટે પોતાના રહેઠાણની આસપાસ પસંદગીની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર મેળવી શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code