
ડીસાઃ બનાસકાંઠામાં આજે શુક્રવારે વહેલી સવારથી વાતાવરણમાં ગાઢ ધૂમ્મસ છવાયું હતું. ધૂંમ્મસને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક વિસ્તારોમાં ઝાકળવર્ષા થતાં રોડ-રસ્તા ભીંજાઈ ગયા હતા. જોકે વાતાવરણમાં આંશિક પરિવર્તનને લીધે લઘુત્તમ તાપમાનમાં પણ સામાન્ય વધારો થયો હતો. ધૂમ્મસીયું વાતાવરણને લીધે બટાટા.જીરા સહિતના પાકને નુકશાનની ભીતી ખેડુતો વ્યક્ત કરી રહ્યા હતા.
રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ ભેજવાળા પવનો ફુંકાવવાને કારણે વાતાવરણમાં ઘૂમ્મસ છવાયું હતું. અને કેટલાક વિસ્તારોમાં ઝાકળ પડ્યાના વાવડ પણ મળ્યા છે. જોકે બપોરથી વાતાવરણ પૂર્વવત બની ગયું હતુ. હવે ઠંડીમાં ક્રમશઃ વધારો થવાની શક્યતા છે.
બનાસકાંઠામાં આ વર્ષે હજુ શિયાળા જેવી બરાબર ઠંડીનો માહોલ જામ્યો નથી. તેવામાં આજે વહેલી સવારથી જ ડીસા પંથકમાં વાદળછાયા વાતાવરણથી ધુમ્મસ ઘેરાયું હતું. વહેલી સવારથી ધુમ્મસીયું વાતાવરણ હોવાથી વાહનચાલકોને ઝીરો વિઝિબિલિટીના કારણે હેરાન થવું પડ્યું હતું. ડીસા પંથકમાં ભર શિયાળે વરસાદી માહોલ સર્જાયો હતો. આજે વહેલી સવારથી જ માવઠાં સાથે શીતળ ઠંડીનો અહેસાશ લોકો કરી રહ્યાં છે. કેટલીક જગ્યાએ છુટા છવાયા વરસાદી છાંટા પડ્યા બાદ વાતાવરણમાં ગાઢ ધૂમ્મસ જોવા મળ્યું હતું. શીતળ ઠંડી સાથે ગાઢ ધુમ્મસને પગલે લોકોએ ઠંડકનો અહેસાસ કર્યો હતો. સવારે વોકિંગમાં નીકળેલા લોકોએ આહલાદક વાતાવરણનો અનુભવ કર્યો હતો. તો ધૂમ્મસને કારણે વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. તો બીજી તરફ આ શિયાળામાં ડીસા તેમજ આજુબાજુના પંથકમાં ઠંડી ઓછી રહેતા અને હવે માવઠા જોવો માહોલ સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અને જો આવું જ વાતાવરણ રહેશે તો બટાકા અને જીરાના પાકને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.