
અમદાવાદ સહિત શહેરોમાં આચારસંહિતા લાગુ થતાં રાજકીય પક્ષોના ભીતચિત્રો, હોર્ડિંગ, દૂર કરાયા
અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની ચૂંટણી જાહેર થતાં જ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. અમદાવાદ સહિત મહાનગરોમાં રાજકીય પક્ષોના હોર્ડિંગ, બેનર્સ અને ઝંડા હટાવીને ભીતચિતોપર પણ કૂચડા ફેરવી દેવાયા છે. શહેરના ઘાટલોડીયા, ચાંદલોડિયા, થલતેજ, ગોતા, વટવા, મણિનગર, કાંકરિયા, ઇસનપુર સહિતના વિસ્તારોમાંથી રાજ્યના મુખ્યમંત્રી, ધારાસભ્યો, કોર્પોરેટરો, રાજકીય પક્ષોના નેતાઓના બેનરો ઉતારી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટ, વડોદરા, સુરત સહિત શહેરોમાં પણ આવા બેનર્સ, હોર્ડિંગ્સ, ભીતચિતો દુર કરવામાં આવ્યા છે.
લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. અમદાવાદ શહેરમાં લાગેલા વિવિધ પક્ષોના બેનરો, પ્રતિકો અને સરકારી જાહેરાતો અંગેના બોર્ડ તેમજ બેનરો ઉતારવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા શહેરમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ભીંતચિત્રો વગેરે ઉપર કૂચડો મારી દેવામાં આવ્યો છે. શહેરના ઘાટલોડીયા, ચાંદલોડિયા, થલતેજ, ગોતા, વટવા, મણિનગર, કાંકરિયા, ઇસનપુર સહિતના વિસ્તારોમાંથી રાજ્યના મુખ્યમંત્રી, ધારાસભ્યો, કોર્પોરેટરો, રાજકીય પક્ષોના નેતાઓના બેનરો ઉતારી લેવામાં આવ્યા છે. શહેર અને જિલ્લામાં પહેલા જ દિવસે જાહેર મિલકતો પરથી 3022 વોલ પેઇન્ટિંગ, 767 પોસ્ટર, 253 બેનર અને અન્ય 876 એમ કુલ 4918 પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે. જ્યારે ખાનગી મિલકતો પરથી 1142 વોલ પેઇન્ટિંગ, 165 પોસ્ટર, 429 બેનર અને અન્ય 374 એમ કુલ 2110 પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે. આમ, કુલ 7028 પ્રચારાત્મક સામગ્રી હટાવવામાં આવી છે.
આ ઉપરાંત સુરત જિલ્લામાં આચારસંહિતાના ચુસ્ત અમલ માટે તંત્ર દ્વારા પ્રચારસામગ્રી દૂર કરવામાં આવી રહી છે. શહેર-જિલ્લાની તમામ 16 વિધાનસભા વિસ્તારમાં પ્રથમ દિવસે તંત્ર દ્વારા હોર્ડિંગ્સો , પોસ્ટરો તેમજ દિવાલ પર દોરેલા ચિત્રોને હટાવવાની કામગીરી હાથ ધરવાનું શરુ કરી દેવાયુ છે. પબ્લિક તથા ખાનગી સ્થળોએથી 810 વોલ પેઇન્ટિંગ, 1272 પોસ્ટરો, 440 બેનરો તથા અન્ય 656 મળી કુલ 3178 પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી હતી. રાજકોટ, વડોદરા, ભાવનગર સહિત તમામ શહેરોમાં રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ, બેનર્સ દુર કરવામાં આવ્યા છે. રવિવારે પણ અમદાવાદ સહિત તમામ શહેરોમાં રાજકીય પક્ષોના બેનર ઝંડા પ્રતિકો અને ભીંતચિત્રોને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.