
- કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિખવાદ ફરી વધ્યો
- કેરળ કોંગ્રેસના મતે હાઇકમાન તેઓને નજરઅંદાજ કરે છે
- આના કારણે કોંગ્રેસ પાર્ટીની ચિંતા વધી શકે છે
નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીમાં સતત આંતરિક વિખવાદ વધી રહ્યો છે. રાજસ્થાન અને પંજાબમાં કલેશ બાદ હવે પાર્ટી દક્ષિણના મોરચે પણ સમસ્યાનો સામનો કરી રહી છે. કેરળ કોંગ્રેસના એક વર્ગ અનુસાર હાઇકમાન તરફથી તેઓને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે 2 મેના રોજ કેરળ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા અને કોંગ્રેસના હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ પાર્ટી હાઇકમાને એક્શન લેતા પ્રદેશ અધ્યક્ષ એ. રામચંદ્રન ઉપરાંત વિપક્ષના નેતા રમેશ ચેન્નિથલાને પદ પરથી હટાવ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર હાઇકમાનની આ કાર્યવાહી બાદ રમેશ ચેન્નિથલના સમર્થકોમાં રોષ જોવા મળ્યો હતો અને હવે તેમણે આરોપ લગાવ્યો કે ભલે તેમને પદ પરથી હટાવવામાં આવ્યા પરંતુ વિદાય સન્માનજનક નથી રહી. સમર્થકો અનુસાર તેમને સોનિયા ગાંધી સાથે મુલાકાત માટે અપોઇન્ટમેન્ટ પણ નથી મળી.
કેરળમાં શરૂ થયેલા આ આંતરિક વિખવાદ બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રભારી તારિક અનવરે રાજ્યના વિધાયકો, સાંસદો અને સંગઠનના નેતાઓ સાથે વાત કરી છે. કેરળમાં ચેન્નીથલાના સ્થાને વીડી સતીષનને વિપક્ષના નેતા બનાવાયા છે.
રાહુલ ગાંધી ખુદ કેરળની વાયનાડ લોકસભા બેઠકથી સાંસદ હોવાથી કેરળમાં શરૂ થયેલો આ વિખવાદ અને રોષ પાર્ટી માટે ચિંતાનું કારણ બની શકે છે.