
પશ્વિમ બંગાળમાં ચૂંટણી પરિણામો પછી ફરીથી ભડકી હિંસા, 4નાં મોત, રાજ્યપાલે પણ ચિંતા વ્યક્ત કરી
- પશ્વિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો પછી પણ હિંસા ફરી ભડકી
- TMCના કાર્યકર્તાઓએ ભાજપના કાર્યાલયમાં આગ ચાંપી
- અલગ અલગ હિંસાઓની ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા
કોલકાતા: રવિવારે પશ્વિમ બંગાળની ચૂંટણીના પરિણામો પછી પણ પશ્વિમ બંગાળના ઘણા વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી. સોમવારે નંદીગ્રામમાં હોબાળો થયો હતો, અહીંયા ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી હતી.
બંગાળના ચૂંટણી પરિણામોમાં, મમતા બેનર્જીની શાનદાર જીત થઇ છે, જો કે પરિણામો આવ્યા પછી પણ અહીંયા હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. નંદીગ્રામમાં ભાજપ કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી હતી, તે ઉપરાંત ભાજપની અનેક ઓફિસોને આગ પણ ચાંપવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, રવિવારે શરૂ થયેલી હિંસામાં અત્યારસુધીમાં 4 લોકોના મોત થયા છે. દક્ષિણ 24 પરગણા, નાદિયામાં ભાજપ કાર્યકર્તા, વર્ધમાનમાં TMC, ઉત્તર 24 પરગણામાં ISF કાર્યકર્તાનું મોત થયું છે. ભાજપ તેના પર મમતા બેનર્જીની વાપસી સાથે રાજ્યમાં હિંસા ભડકાવવાનો આરોપ લગાવી રહી છે.
અહેવાલો પ્રમાણે, ઘણા સ્થળોએ TMC કાર્યકર્તાઓએ ભાજપ કાર્યાલયો પર હુમલો કરીને આગ લગાવી હતી. રાજ્યપાલ જગદીપ ધનખડે પણ આ ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
બંગાળની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડેએ કહ્યું કે, બંગાળની સ્થિતિ ચિંતાનજક છે. હું રાજ્યમાં હિંસાના સમાચારોથી ચિંતિત છુ. આ પહેલા પણ રાજ્યપાલ ધનખડ સતત રાજ્યના કાયદો અને વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉભા કરી ચૂક્યા છે. રાજ્યપાલ ધનખડ આ મામલે મમતા સરકાર સાથે વિવાદમાં છે.
ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ હુગલી જિલ્લામાં તેની પાર્ટી કાર્યાલયને આગ ચાંપી દીધી હતી અને સુવેન્દુ અધિકારીઓ સહિત તેના કેટલાક નેતાઓ સાથે ઘર્ષણ કર્યું હતું. ભાજપનો આરોપ છે કે રાજ્યમાં ટીએમસીની વાપસી સાથે રાજ્યમાં ફરી હિંસા ચરમસીમાએ છે.
(સંકેત)