
- બાબા રામદેવે ભવિષ્યના પ્લાનને લઇને કર્યો ખુલાસો
- તેઓ દેશમાં એલોપેથી કોલેજનું કરશે નિર્માણ
- એલોપેથી કોલેજ દ્વારા એલોપેથિક MBBS ડોક્ટર કરશે તૈયાર
નવી દિલ્હી: એલોપેથીને લઇને આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ બાબા રામદેવ વિવાદોમાં ઘેરાયા હતા. હવે બાબા રામદેવે પોતાના ભવિષ્યના પ્લાનને લઇને ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે તેઓ દેશમાં એલોપેથી મેડિકલ કોલેજનું નિર્માણ કરશે.
પોતાના પ્લાન વિશે વાત કરતા બાબા રામદેવે જણાવ્યું હતું કે, પતંજલિ યોગપીઠ ભવિષ્યમાં એલોપેથિક મેડિકલ કોલેજનું નિર્માણ કરશે અને યોગપીઠ દ્વારા એલોપેથિક કોલેજ બનાવવાનો હેતુ એલોપેથિક MBBS ડૉક્ટર તૈયાર કરવાનો છે.
બાબા રામદેવે એવું પણ કહ્યું હતું કે, એલોપેથીની દવાઓ અને ડૉક્ટર્સનું સન્માન કરીએ છીએ. એલોપેથી પર પોતાના વિવાદાસ્પદ નિવેદનને લઇને સ્પષ્ટતા કરી હતી કે, આ તેમનું અધિકૃત નિવેદન ન હતું. આ મુદ્દાને વધારીને રજૂ કરાયો હતો.
એલોપેથી અને ડોક્ટરો વિશે આપેલા પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે ‘તેઓ ફક્ત વોટ્સએપ પર મળેલી એક જાણકારીને બધા સાથે શેર કરી રહ્યા હતા.’ તેમણે વધુમાં કહ્યું કે મે મારા નિવેદન બદલ માફી માંગી લીધી છે, પરંતુ આમ છતાં આ મુદ્દાને આગળ વધારવામાં આવી રહ્યો છે.
એલોપેથીની સરાહના કરતા તેઓએ કહ્યું હતું કે, એલોપેથીએ કરોડો લોકોના જીવ બચાવ્યા છે. તેમણે એલોપેથી અને આધુનિક ચિકિત્સા વિજ્ઞાનનું સન્માન કરતા કહ્યું કે આટલી પ્રગતિ છતાં એલોપેથીમાં હજુ પણ અનેક બીમારીઓની કોઇ દવા નથી.
બાબા રામદેવે(Baba Ramdev) કહ્યું કે એલોપેથી પ્રત્યે નફરતનો સવાલ જ નથી, પરંતુ આયુર્વેદનું પણ સન્માન થવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે એલોપેથિક દવાઓની સાથે યોગ પણ જરૂરી છે.