
- ભારતમાં વીજ વપરાશ વધ્યો
- વીજ વપરાશ નવેમ્બરમાં 3.6 ટકા વધીને 100.42 અબજ યુનિટ નોંધાયો
- તેમાં 3.6 ટકાની વૃદ્વિ નોંધાઇ
નવી દિલ્હી: ભારતમાં વધતી વસ્તીની સાથોસાથ મોટા ભાગના ઘરોમાં ઇલેક્ટ્રિસિટી સાધનો વધતા વીજ વપરાશ પણ સતત વધી રહ્યો છે. ભારતનો વીજ વપરાશ નવેમ્બર મહિનામાં 3.6 ટકાની વૃદ્વિ સાથે 100.42 અબજ યુનિટ નોંધાયો છે.
વીજ મંત્રાલય અનુસાર ગત વર્ષે નવેમ્બર મહિનામાં વીજ વપરાશ 96.88 બીયુ અને વર્ષ 2019ના સમાન મહિનામાં 93.94 બિલિયન યુનિટ નોંધાયો હતો. ચાલુ વર્ષે ઑક્ટોબર મહિનામાં દેશનો વીજ વપરાશ 3.9 ટકા વધીને 113.40 બીયુ થયો હતો.
નવેમ્બર દરમિયાન વીજળીની સૌથી વધુ માંગ અથવા એક દિવસમાં સૌથી વધુ પુરવઠો 166.19 ગીગાવોટ નોંધાયો હતો, જે ગત વર્ષના સમાન મહિનાના 160.77 ગીગાવોટ કરતાં વધુ હતો.
નવેમ્બરમાં વીજ વપરાશ તેમજ માંગમાં રિકવરી જોવા મળી રહી છે. નિષ્ણાતોએ જણાવ્યું કે, રાજ્યો દ્વારા લોકડાઉન પ્રતિબંધો હટાવ્યા બાદ વીજ મથકોમાં કોલસાનો પુરવઠો વધારવા અને આર્થિક પ્રવૃત્તિઓમાં સુધારો લાવવાના સરકારના પ્રયાસોથી વીજ માંગ તેમજ વપરાશમાં રિકવરી ઝડપથી થશે.
આપને જણાવી દઇએ કે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી દ્વારા મોનિટર કરાયેલા 166 ગીગા કરતાં વધુ વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતા 136 પાવર પ્લાન્ટ્સમાં 172.8 લાખ ટનનો કોલસો સ્ટોક હતો, જે 29 નવેમ્બર, 2021ના રોજ નવ દિવસ (18.6 લાખ ટનની દૈનિક જરૂરિયાત મુજબ) માટે પૂરતો હતો.
1 નવેમ્બર, 2021 સુધીમાં મોનિટર કરાયેલ 165 ગીગાવોટથી વધુ સ્થાપિત ઉત્પાદન ક્ષમતાવાળા 135 જેટલા વીજ પ્લાન્ટમાં 109.6 લાખ ટન કોલસાનો જથ્થો હતો, જે છ દિવસ (18 લાખ ટનની દૈનિક જરૂરિયાત મુજબ) માટે પૂરતો હતો.