
- કેરળમાં રાજકીય હત્યાઓનો સિલસિલો યથાવત્
- 12 કલાકમાં BJP અને SDPIના બે નેતાઓની હત્યા
- અપ્રિય પરિસ્થિતિ ના સર્જાય તે માટે અલપ્પુઝામાં 144 લાગુ
નવી દિલ્હી: કેરળમાં એક પછી એક રાજકીય હત્યાઓ થઇ રહી છે જેને કારણે ત્યાં તંગદિલીનો માહોલ છે. સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઇન્ડિયા અને ભાજપના બે નેતાઓની કથિતપણે હત્યા થઇ હોવાનું પોલીસ જણાવી રહી છે. અલપ્પુઝામાં આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. પોલીસ અનુસાર, બીજેપી નેતાની હત્યા મામલે 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
કેરળમાં તંગદિલીના માહોલ વચ્ચે આગળ કોઇ વધુ અપ્રિય ઘટના ના બને તે માટે ત્યાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે, ઉચ્ચ પોલીસ અધિકારીઓની તૈનાતી પણ વધારી દેવામાં આવી છે. 12 કલાકથી ઓછા સમયમાં બે રાજકીય હત્યાઓને કારણે રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.
જે બે હત્યા થઇ તેમાં બીજેપી ઓબીસી મોરચાના નેતા રણજીત શ્રીનિવાસનની રવિવારે તેમના નિવાસસ્થાનની બહાર જ હત્યા કરી દેવામાં આવી હતી જ્યારે બીજી તરફ SDPIના રાજ્ય સચિવ શઆન કેએસની શનિવારે રાત્રે અજાણી ટોળકીએ છરીના ઘા મારીને કરપીણ હત્યા કરી નાખી હતી.
SDPIના નેતા પર તે સમયે હુમલો કરવામાં આવ્યો, જ્યારે તેઓ પોતાના સ્કૂટર પર મન્નાચેરીમાં ઘરે પરત ફરી રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે કારમાં આવેલા હુમલાખોરોએ પહેલા તેમના ટુ-વ્હીલરને ટક્કર મારી હતી અને નીચે પડ્યા બાદ તેમને એક પછી એક ચાકૂના ઘા માર્યા હતા.
આ ઘૃણાસ્પદ રાજકીય હત્યાઓની નિંદા કરતા કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને કહ્યું કે, સરકાર કોઇને પણ કાયદો હાથમાં લેવાની મંજૂરી આપશે નહીં. આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.