- યુપીમાં ડિજીટલ પ્રચાર માટે ભાજપે તૈયાર કરી બ્લૂ પ્રિન્ટ
- પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પ્રચાર માટે મેદાનમાં ઉતરશે
- પ્રચાર માટે LED વેન રખાશે
નવી દિલ્હી: દેશના યુપી સહિતના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને લઇને દરેક રાજકીય પક્ષોએ કમર કસી છે અને પૂરજોશમાં તૈયારીમાં લાગ્યા છે. આ વચ્ચે હવે ભાજપે ડિજીટલ પ્રચાર અને મેદાની જંગ એમ બંને મોરચા પર બ્લૂપ્રિન્ટ તૈયાર કરી છે.
પીએમ મોદી પ્રથમવાર યુપીના પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. ભાજપે જે પ્રચાર પ્લાન બનાવ્યો છે તેમાં પહેલા ડિજીટલ પ્રચાર અને મેદાની જંગ બંને મોરચા પર કડક તૈયારી કરી છે. ભાજપના બે મોટા ચહેરાને કેન્દ્રમાં રાખીને તૈયારી કરવામાં આવી છે.
ભાજપે એક તરફ પીએમ મોદીને ભાજપના સૌથી મોટા નેતા તેમજ સ્ટાર પ્રચારક તરીકે ઉતાર્યા છે તો બીજી તરફ ભાજપના ચાણક્ય અને દેશના ગૃહમંત્રી અમિત શાહને ઉતાર્યા છે.
પીએમ મોદી યુપી ચૂંટણીમાં ડિજીટલ મોરચા પર વિરોધીઓને સંભાળશે તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ મેદાન પર ભાજપના ગ્રાઉન્ડ સ્તરને વધુ મજબૂત કરશે અને જીત માટે ભાજપ કાર્યકર્તાઓ તૈયાર કરશે. આ બંને નેતા 22 જાન્યુઆરીએ યુપીમાં સમરમાં દાવપેચ રમશે.
ભાજપની વર્ચ્યુઅલ પ્રચાર માટેની બ્લૂપ્રિન્ટ એ રીતે રહેશે કે પીએમ મોદી દર બીજા દિવસે યુપીની જનતા સાથે જોડાશે અને તે સરકારની યોજનાઓના લાભાર્થીઓ સાથે વાત કરશે. આ માટે ભાજપે 403 LED વેન તૈયાર કરી છે. યુપીની દરેક વિધાનસભામાં એક LED વેન હશે. આ ઉપરાંત પાર્ટીએ 27,700 શક્તિ કેન્દ્ર બનાવી છે. આ તમામ શક્તિ કેન્દ્રો પર એક LED ટીવી બનાવાશે. જ્યાં લોકો કોવિડ પ્રોટોકોલનું પાલન કરતા પીએમની રેલી સાથે જોડાયેલા છે.
એક પ્લાન મુજબ દરેક વિધાનસભા સીટ પર 27 વર્ચ્યૂઅલ રેલીઓ થશે અને દરેક રેલીમાં અલગ અલગ વર્ગને ટારગેટ કરવામાં આવ્યા. આ ઉપરાંત જિલ્લામાં બેસનારા મોટા નેતાઓની વર્ચ્યૂઅલ રેલી હશે. બીજી તરફ 23 જાન્યુઆરીથી ગૃહમંત્રી અમિત શાહ યુપીના મેદાનમાં પોતાનું શક્તિ પ્રદર્શન કરશે.