
બંગાળમાં કિશોરોના વેક્સિનેશનની ‘મહાઝુંબેશ’, 1 મહિનામાં 48 લાખ કિશોરોને અપાશે કોવિડ વેક્સિન
- બંગાળમાં કિશોરોના રસીકરણની મહાઝુંબેશ
- 1 મહિનામાં 15-18 વર્ષની વય જૂથના 48 લાખ કિશોરોને અપાશે વેક્સિન
- આ માટે બંગાળમાં આરોગ્ય અધિકારીઓ, આરોગ્ય સચિવની બેઠક યોજાઇ
નવી દિલ્હી: દેશભરમાં ઓમિક્રોન વેરિએન્ટના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે પશ્વિમ બંગાળમાં પણ ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે. આ વચ્ચે પશ્વિમ બંગાળ સરકારે આગામી વર્ષે 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષની વયના કિશોરોને વેક્સિન આપવાનું નક્કી કર્યું છે. આપને જણાવી દઇએ કે બંગાળ સરકારે 3 જાન્યુઆરીથી 1 મહિનાની અંદર 48 લાખ કિશોરોને પ્રથમ ડોઝ આપવાનું લક્ષ્યાંક નિર્ધારિત કર્યું છે.
પશ્વિમ બંગાળમાં રાજ્યના મુખ્ય સચિવ એચ.કે.દ્વિવેદી અને રાજ્યના શાળા શિક્ષણ અને આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કિશોરોના વેક્સિનેશન માટેના રોડમેપ પર ચર્ચા થઇ હતી. અધિકારીઓએ કહ્યું હતું કે, બેઠકમાં કિશોરોના રસીકરણ અભિયાનની વ્યાપક રૂપરેખા પર ચર્ચા કરવામાં આવી હતી.
કિશોરોના રસીકરણની યોજના પર પ્રકાશ પાડતા રાજ્યના આરોગ્ય સચિવ નારાયણ સ્વરૂપ નિગમે કહ્યું કે, અમે એક મહિનાની અંદર આ વયજૂથ માટે પ્રથણ ડોઝ આવરી લેવાનું લક્ષ્યાંક રાખ્યું છે. અમે 15-18 વર્ષની વયજૂથના બાળકોને તેમની સંબંધિત શાળાઓમાં સંપર્ક સાધીશું.
નોંધનીય છે કે, આ વય જૂથ માટે રસી આપવા અંગે નીતિગત નિર્ણય લેવા માટે આરોગ્ય અને શિક્ષણ અધિકારીઓ બુધવારે ફરી બેઠક કરશે. વરિષ્ઠ અધિકારીઓ માધ્યમિક શાળાઓમાં રસીકરણ શિબિરોનું આયોજન કરવા માંગે છે. જે તમામ રસીકરણ કેન્દ્રો જેવા જ નિયમો અને પ્રોટોકોલનું પાલન કરશે. રાજ્ય આરોગ્ય વિભાગ ત્યાં એક રસીકરણ ટીમ પણ મોકલશે. જેમાં ડોકટરોનો સમાવેશ થશે. શાળાઓને પહેલા વિદ્યાર્થીઓની નોંધણી કરવા માટે કહેવામાં આવશે. આ અભિયાન માટે નોંધણી આ શનિવાર, જાન્યુઆરી 1 થી શરૂ થશે.