1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નવસારીઃ મરોલીમાં રેલવે ટ્રેક ઓળંગતા 14 વર્ષીય કિશોરનું ટ્રેનની અડફેટે મોત
નવસારીઃ મરોલીમાં રેલવે ટ્રેક ઓળંગતા 14 વર્ષીય કિશોરનું ટ્રેનની અડફેટે મોત

નવસારીઃ મરોલીમાં રેલવે ટ્રેક ઓળંગતા 14 વર્ષીય કિશોરનું ટ્રેનની અડફેટે મોત

0
Social Share

સુરત, 14 ફેબ્રુઆરી 2026: નવસારી જિલ્લાના મરોલી રેલવે ઓવરબ્રિજ નીચે એક કાળજું કંપાવનારી દુર્ઘટના સર્જાઈ છે. રેલવે ટ્રેક ઓળંગતી વખતે એક 14 વર્ષના નિર્દોષ કિશોરનું ધસમસતી ટ્રેનની અડફેટે આવતા ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મરોલી રેલવે ઓવરબ્રિજ નીચેથી પસાર થતા રેલવે ટ્રેક પરથી આ 14 વર્ષીય કિશોર રસ્તો ઓળંગી રહ્યો હતો. આ દરમિયાન અચાનક પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રેનની ઝપેટમાં તે આવી ગયો હતો. ટ્રેનની ટક્કર એટલી જોરદાર હતી કે કિશોરનું સ્થળ પર જ મોત થયું હતું. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું.

દુર્ઘટના અંગેની માહિતી મળતા જ Railway Protection Force (RPF) અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક કિશોરના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી છે. હાલમાં પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી, આસપાસના સીસીટીવી ફૂટેજ અને પંચનામાના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

રેલવે ઓવરબ્રિજ પર જવા માટે 170થી વધુ સીડીઓ ચઢવી અને ઉતરવી પડે છે. ત્યારે લોકો અને ખાસ કરીને શાળાએ જતાં બાળકો સમય બચાવવા માટે રેલવે ટ્રેક પરથી શોર્ટકટ રસ્તો અપનાવે છે, જે અવારનવાર જીવલેણ સાબિત થાય છે. રેલવે ટ્રેક ઓળંગવો એ કાયદાકીય ગુનો હોવાની સાથે અત્યંત જોખમી પણ છે. ત્યારે હંમેશા નિર્ધારિત પુલ કે રસ્તાનો જ ઉપયોગ કરવો હિતાવહ છે.

વધુ વાંચોઃ વધારાના ઘઉંના ઉત્પાદનો અને ખાંડની નિકાસની છૂટ આપાઈ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code