
ઉત્તરાખંડઃ ખોહ નદીમાં એક-બીજાને બચાવવાના પ્રયાસમાં ચાર જણા ડુબ્યાં
નવી દિલ્હીઃ ઈદના તહેવારની રજાઓમાં કોટેશ્વર ફરવા ગયેલા ઉત્તરપ્રદેશના 3 યુવાનો સહિત ચાર વ્યક્તિઓ ખોહ નદીમાં ડુબી જતા તેમના મોત થયાં હતા. નદીમાં ડુબી જવાથી ચાર વ્યક્તિઓના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના બિજનોરની આઠ વ્યક્તિઓ ઈદની રજાઓમાં ઉજવણી કરવા માટે કોટેશ્વર ગયા હતા. જ્યાં દુગડ્ડા માર્ગ ઉપર આમસોડ અને દુર્ગાદેવ વચ્ચે પસાર થતી ખોહ નદી ગયા હતા. દરમિયાન ચાર વ્યક્તિઓ નહાવા માટે નદીમાં ઉતર્યા હતા. આ સમયે એક વ્યક્તિ ઉંડાપાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેથી તેણે મદદ માટે બુમાબુમ કરતા તેને બચાવવા બીજો યુવાન અંદર ઉતર્યો હતો. આમ એક-બીજાને બચાવવાના પ્રયાસમાં ચાર વ્યક્તિઓ તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તરવૈયાઓએ ભારે જહેમત બાદ ચારેય યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યાં હતા. આ દૂર્ઘટનામાં નદીમ અનીશ (ઉ.વ. 42), ઝૈબ શાહિદ (ઉ.વ. 29), ગુડ્ડુ શાહિદ (ઉ.વ. 24) અને ગાલીબ ખાલીદ (ઉ.વ. 15)ના મોત થયાં હતા.