
- ગૂગલ લાવી રહ્યું છે Truecaller જેવું ફીચર
- ફેક બિઝનેસ કોલથી મળશે મુક્તિ
- ગૂગલના ફોન એપમાં હશે આ સુવિધા
મુંબઈ: ગૂગલે એન્ડ્રોઇડ ડિવાઇસ યુઝર્સ માટે વેરિફાઇડ કોલ્સ ફીચરની જાહેરાત કરી છે. આ ફીચર ટ્રુકોલર જેવી જ છે, જે યુઝર્સને ફોન કોલ્સ દ્વારા થતા ફ્રોડથી બચાવવામાં મદદ કરશે. આ નવા ફીચરથી યુઝર્સ વાસ્તવિક બિઝનેસ નંબર ચકાસી શકશે. ફોન દ્વારા થતા ફ્રોડની સમસ્યા ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર દુનિયાભરમાં છે. હવે ગૂગલનું વેરિફાઇડ કોલ્સ ફીચર તમને કોલ કરનારની ઓળખ બતાવશે. આ સંદર્ભે ગૂગલે એક બ્લોગ પોસ્ટ લખી છે. વેરિફાઇડ કોલ્સ ફીચર પહેલા ભારત, મેક્સિકો, બ્રાઝિલ, સ્પેન અને અમેરિકામાં રજૂ કરવામાં આવી રહી છે, ત્યારબાદ વિશ્વના અન્ય ભાગોમાં રજૂ કરવામાં આવશે.
ગૂગલે બ્લોગપોસ્ટમાં લખ્યું છે કે સ્પેમ અને કૌભાંડ કોલ એ પણ ભારતમાં મોટી સમસ્યા છે. 2019માં પટિયાલાની ભૂતપૂર્વ રાણીએ અજાણ્યા નંબરના કોલનો જવાબ આપ્યો અને તેને કૌભાંડકારના હાથમાં 23 લાખ રૂપિયાનું નુકસાન ઉઠાવું પડ્યું. ગૂગલને આશા છે કે વેરિફાઇડ કોલ્સ આ પ્રકારની સમસ્યાનું નિદાન કરી શકે છે
આ વેરિફાઇડ કોલ્સ ફીચર એન્ડ્રોઇડ ફોન એપમાં હશે. સામાન્ય રીતે આ એપ મોટાભાગના એન્ડ્રોઇડ ફોનમાં પ્રી-લોડેડ થાય છે. જો તમારા ફોનમાં મેન્યુફેક્ચરરની કસ્ટમ ડાયલરના ઓપ્શનની પસંદગી કરી છે, તો પછી આ ફીચર થોડા દિવસોમાં ડાઉનલોડ કરવા માટે પણ ઉપલબ્ધ થશે. જ્યારે તમને વેરિફાઇડ બિઝનેસથી કોલ આવે છે, ત્યારે તમને નામ, એક વેરીફીકેશન સિમ્બોલ અને કોલ કરવાનું કારણ દેખાશે.
ગૂગલે તેની બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે વેરીફીકેશન પછી ગૂગલ કોઈ પણ વ્યક્તિગત રૂપે ઓળખી શકાય તેવી માહિતી સ્ટોર અથવા એકત્રિત કરતું નથી. આ ફીચરની રજૂઆત પછી ટ્રુકોલરને પડકાર મળી શકે છે. ટ્રુકોલર એપ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે અને તે સ્પામ કોલ્સને ફિલ્ટર કરવામાં ઉપયોગી છે. પરંતુ ગુગલ વેરિફાઇડ કોલ્સ વિશેની ખાસ વાત એ છે કે તે કોલના કારણને પણ બતાવે છે. આ કોલને એક્સેપ્ટ અથવા ઇગ્નોર કરવામાં તમને મદદ કરશે.
_Devanshi