
અમદાવાદઃ દેશભરમાં 1લી જુનથી નવા પરિવહનના નિયમો લાગુ પડશે. રોડ અકસ્માતોને નિયંત્રણમાં લેવા માટે વાહનચાલકોને શિસ્તમાં રાખવા કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં સગીર વયના કિશોરો વાહનો ચલાવતા પકડાશે તો રૂપિયા 25000નો દંડ વસુલાશે, તેમજ હેલ્મેટ વિના બાઈક કે સ્કુટર ચલાવનારાને 1000 રૂપિયા દંડ, લાયસન્સ વિના વાહન ચલાવનારાને રૂપિયા 500નો દંડ, સીટબેલ્ટ ન બાંધનારાને પણ રૂપિયા 1000ના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
દેશમાં રોડ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે વાહનચાલકો માટે 1લી જુનથી આકરા નિયમો અમલમાં આવશે. 1લી જૂનથી નવા પરિવહન નિયમો (New Driving License Rules 2024) લાગુ થશે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓએ ભારે દંડ ભરવો પડશે. નવા નિયમો હેઠળ, 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો જેઓ વધુ ઝડપે વાહન ચલાવે છે, તેમને 25,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. 18 વર્ષથી ઓછી ઉંમરના વાહનચાલકો અકસ્માત કરશે તો લાઇસન્સ રદ થઈ જશે અને તમને 25 વર્ષ સુધી નવું લાઇસન્સ મળશે નહીં. આ સિવાય અન્ય નિયમોનું ઉલ્લંઘન કરવા પર દંડની જોગવાઈ છે. જેમાં ઝડપથી વાહન ચલાવવા પર 1000 થી 2000 રૂપિયા સુધીનો દંડ, સગીર દ્વારા ડ્રાઇવિંગ માટે 25,000 રૂપિયા સુધીનો દંડ, લાયસન્સ વિના વાહન ચલાવીશે તો 500 રૂપિયાનો દંડ, તથા હેલ્મેટ ન પહેરવા બદલ 100 રૂપિયાનો દંડ તેમજ સીટ બેલ્ટ ન પહેરવા બદલ 100 રૂપિયાનો દંડ કરાશે.
આ ઉપરાંત ડ્રાઇવિંગ લાયસન્સ માટે RTOમાં જઇને ટેસ્ટ આપવાની જરૂર નથી. હવે ડ્રાઇવિંગ લાયસન્સ (Driving Licence) ટેસ્ટ માટે અલગ વિકલ્પ હશે. ડ્રાઇવિંગ લાયસન્સની વેલિડિટી સમાપ્ત થાય ત્યારે અથવા તે જ દિવસે રિન્યુ કરાવવું જરૂરી છે. આ માટે તમારી નજીકના સ્થાનિક આરટીઓ (ઝોનલ ઓફિસ)માં જવું પડશે. 1 જૂનથી સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત વિશેષ ખાનગી સંસ્થાઓમાં ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ પણ આપી શકાશે.